ભરૂચના મુખ્ય માર્ગો ઉપર અડિંગો જમાવતા પશુઓને ખસેડવાની કામગીરી ફાયરમેનોને સોંપાઈ છે, છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યા હતા, કેટલાક સ્થળે તો રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાવવા જેવી ઘટનાઓ પણ સામે આવી હતી જેમાં તાજેતરમાં જ અંકલેશ્વર ખાતે રખડતા પશુનું શીંગડું વાગતા એક વેપારીએ સારવાર લેવાની નોબત આવી પહોંચી હતી.
ભરૂચ ખાતે પણ કેટલાય સ્થળે રખડતા પશુઓ પોતાનો અડીંગો જાહેર માર્ગો ઉપર જ જમાવી બેસતા હોય છે જેને પગલે છેલ્લા એક સપ્તાહથી ભરૂચ નગરપાલિકા દ્વારા જે તે સ્થળેથી રખડતા પશુઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આજે સવારે ભરૂચ નગરપાલિકાના કર્મીઓની કામગીરી આંખે ઉડીને વળગી હતી, જ્યાં રખડતા પશુઓને દૂર કરવા માટે આવેલા કર્મીઓ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
ભરૂચમાં કલેક્ટર કચેરી નજીકના માર્ગ પર નગરપાલિકાના ઇમરજન્સી સર્વિસીસ માટે નિયુક્ત ફાયર બ્રિગેડના કર્મચારીઓને રખડતા પશુઓ હાંકવાના કામે લગાડાયા હતા, જે બાદ સમગ્ર મામલા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. શહેરમાં આગ સહિતની ઇમરજન્સીમાં ઘટનાઓમાં કામગીરી કરતા કર્મીઓને આ રીતની કામગીરી સોંપવી કેટલી યોગ્ય ? શુ આ કામગીરી દરમિયાન જ કોઈક જગ્યાએ ઇમરજન્સી સ્થિતિનું ઉત્પન્ન થાય તો આ કર્મીઓ કઈ રીતે પહોંચી શકે ? શુ પાલિકાના તંત્ર પાસે કર્મીઓનો અભાવ છે? શુ રખડતા પશુઓ માટે કોઈ ચોક્કસ ટિમનું ગઠન ન કરી શકાય તેવા અનેક સવાલો હાલ આ ઘટના ક્રમ બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744