ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વરના નવાદિવા તથા નેત્રંગના અશનાવી ગ્રામ્ય વિસ્તારમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુમાં વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી. આ વિસ્તારનાં ગંગા સ્વરુપા બહેનો, વૃધ્ધ પેન્શન, સખી મંડળ, આયુષ્માન કાર્ડથી લીધેલ લાભાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તથા સરકારની યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચવા જણાવ્યું હતું.
રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા સેતુમાં મહાનુભાવોને હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ આયોજિત ગામની આસપાસના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા હતા અને લાભાર્થીઓએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. આ સેવા સેતુમાં નવા મતદાર નોંધણીની ઝુંબેશ,વોટર હેલ્પ લાઈન માટે ગ્રામજનો જાગૃતિ કેળવે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વધુમાં ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત ભરૂચના સામાજિક ન્યાય સમિતના અધ્યક્ષ, પદાધિકારીઓ, તા.પ. કારોબારી અધ્યક્ષ, જિલ્લા મહામંત્રી, તાલુકા પ્રમુખ, મહામંત્રી, કલસ્તરમાં સમાવિષ્ટ ગામના સરપંચો, સહિત અધિકારીઓ ઉપરાંત લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.