ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે,તે પહેલાં રાજ્યમાં વિવિધ રાજકિય પક્ષોમાં હવે તોડજોડની શરૂઆત પણ ચરમસીમાએ પહોંચી છે, એક પક્ષ સામેની નારાજગી નેતાઓને બીજા પક્ષ સુધી ખેંચી જઇ રહી છે, તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં તો જાણે પક્ષ સાથે છેડો ફાડવા માટે હોડ જામી હોય તેમ એક બાદ એક રાજીમાનાઓ છેલ્લા એક માસ દરમિયાન જોવા મળ્યા છે.
પ્રથમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લઇ વાગરા વિધાનસભાના કેટલાક હોદ્દેદારો અને આગેવાનોએ રાજીનામા ધર્યા હતા તો થોડા દિવસો અગાઉ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વથી નારાજ થઇ શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા વિક્કી શોખી સહિત પ્રદેશ યુવા કોંગ્રેસના હોદ્દેદારો સહિતના આગેવાનોએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા હતા,જે બાદ ભરૂચ કોંગ્રેસનો આંતરિક રાજકીય યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો.
આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસથી નારાજ હોદ્દેદારો અને દુભાયેલા કાર્યકરોને ભારતીય જનતા પાર્ટી પોતાનો ખેસ ધારણ કરાવી પક્ષમાં પ્રવેશ કરાવવાની રણનીતિ ઘડી નાંખી છે, આવતી કાલે ભરૂચ ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો. બેન્ક ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નિકુલ મિસ્ત્રી, રાધે પટેલ સહિતના કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે પાર્ટીમાં સામેલ થતા હોવાની માહિતી સામે આવી રહી છે.
આમ આગામી ચૂંટણીઓ પહેલા ભરૂચ કોંગ્રેસની આંતરિક બાબતો હવે ચરમસીમાએ પહોંચી છે તેમજ એક સાંધે અને તેર તૂટે જેવી બાબતો આગામી ચૂંટણીઓમાં જિલ્લા કોંગ્રેસને મજબુત કરશે કે પછી પક્ષથી નારાજ કોંગ્રેસીઓ જ કોંગ્રેસની નયયા પાર નહિ થવા દે તેવી રાજકીય ચર્ચાઓ આજકાલ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744