ભરૂચ શહેરને અડીને આવેલા અને ભરૂચથી દહેજ જતા માર્ગ પર છાશવારે મોટા ભારદાર વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે, નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજથી શ્રવણ ચોકડી તેમજ શેરપુરાને જોડતા માર્ગ તરફ બેફામ અને ગફલતભરી રીતે આવતા વાહનોના કારણે અત્યાર સુધી કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આજરોજ સવારના સમયે નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે એક ખાનગી લકઝરી બસના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ૫ વર્ષીય ધ્યાની ધર્મેશભાઈ પટેલ નામની બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, તેમજ બાઇક પર સવાર મહેશભાઈ હરિભાઈ પટેલ અને માતા ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભોલાવથી શ્રવણ ચોકડી તરફ જતા સમયે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી, અકસ્માતમાં બાકીના મોત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ થોડા સમય માટે તમામ વાહનો રોકી દઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જોકે ઘટના બાદ તાત્કાલિક ભરૂચ પોલીસના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારે લકઝરી બસો અને ભારદાર વાહનો બેફામ બનીને અહીંયાથી બેરોક ટોક પસાર થાય છે, સાથે રસ્તામાં પણ ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી આવે છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરતા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744