સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા ભરૂચમાં આવેલ આંબેડકર હોલ ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઇ જેમાં ૧૭ જેટલા ભજન મંડળોએ ભાગ લીધો.
સનાતન ધર્મમાં ભગવાનને અનુલક્ષીને શ્રદ્ધા અને ભાવથી કોઈપણ પદ કે પદ્ય ગવાય તેને ભજન કહેવાય. ભજન એ નવધા ભક્તિનો ભાગ છે. ગુજરાતીઓમાં એવું કહેવાય છે કે ભોજનમાં ભગવાનની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય છે અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય એમાં જો ઉભુ ભજન ગવાય તો પ્રભુ ભક્તિમાં રંગત આવી જાય.
ભરૂચમાં આંબેડકર ભવન ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભરૂચ જિલ્લાના અને શહેરના બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં મહિલાઓએ વિવિધ રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થયા હતા. આ ઉભા ભજનની સ્પર્ધામાં ભજન ગાઇ, જુમીને આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતુ. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન સ્થાપક હેમાબેન પટેલ અને પ્રકાશ પટેલ દ્વારા જણાવાયું હતુ કે બહેનો માટે આવી ઉભા ભજનની સ્પર્ધા ગુજરાતમાં પહેલી વખત ભરૂચમાં યોજવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બ્રહ્માકુમારીના રાજયોગના શિક્ષક નિમાદીદી, અમિતાદીદી, વિશ્વ હિન્દુ પરિષદના નગર મંત્રી વિરેન રામજીવાલા, પૂર્વ ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, દિક્ષા ફાઉન્ડેશનના દિક્ષાબેન વાણિયા એ હાજરી આપી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા ગાયક સંદિપભાઈ પુરાણી અને સંગીત વિશારદ જશુભાઈ પટેલે સેવા આપી હતી. આ પ્રસંગે સંસ્કૃતિના પ્રમુખ ઉષાબેન સિધ્ધપુરા અને કમલભાઈ શાહે ભાગ લેનાર સૌ બહેનોનો આભાર માન્યો હતો.