સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે,નર્મદા નદીના જળ સ્તર વધતા વડોદરા, નર્મદા અને ભરુચ જિલ્લાના નદી કાંઠાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે સાથે નદી કાંઠે ન જવા માટેના સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.91 મીટરે પહોંચી છે, જે ડેમની મહત્તમ સપાટીથી માત્ર અઢી મીટર નીચે વહી રહી છે, સપાટી વધતા ડેમના 23 ગેટ 3 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, હાલમાં નદીમાં કુલ 5,62,582 ક્યૂસેક જાવક છે, જે બાદ અનુમાન લગાવાઈ રહ્યું છે કે સાંજ સુધી ભરૂચખાતે નર્મદા નદીની સપાટી 28 ફૂટે પહોંચી શકે છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે આજે સવારે સપ્તાહમાં બીજી વાર નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ ઉપર વહેતી જોવા મળી હતી, નર્મદા નદીના જળસ્તર વધતા ભરૂચનું તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું, ભરૂચ, અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજને સલામતીના ભાગરૂપે બંધ કરવાની નોબત આવી છે. નદીમાં જળ સ્તર વધવાના કારણે લોકો ફોટા અથવા સેલ્ફી પડાવવા માટે ગોલ્ડન બ્રિજ ખાતે ઉમટી પડતા હતા જે બાદ આખરે બ્રિજને બીજી વખત બંધ કરવામાં આવ્યો છે.
ભરૂચ નજીક નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપમાં આવતા ભરૂચ, અંકલેશ્વરના 30 થી વધુ ગામોને સાવધ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી ભરૂચના કસક ઝુંપડપટ્ટી વિસ્તાર, વેજલપુર બહુચરાજી ઓવરા, દાંડીયા બજાર, ફુરજા નદી કાંઠા, નવચોકી હેથાણા, ઝાડેશ્વર અને મકતમપુર વિસ્તારોમાં પણ લોકોને સાવધ રહેવા સૂચનો કરવામાં આવ્યા છે, તો અંકલેશ્વરના સરફઉદ્દીન ખાલપીયા, કાંસિયા, માંડવા, મુલડ, બોરભાઠા બેટ, જુના દીવા વિસ્તારના લોકોને સાવધ કરવામાં આવ્યા છે તેમજ અત્યાર સુધી 500 થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
હારૂન પટેલ : ભરૂચ
મો. : 99252 22744