ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે તે પહેલાં હવે વિવિધ રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ ચરમસીમા એ પહોંચ્યું છે, જેમાં પણ ખાસ કરી કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરવાનું ટ્રેન્ડ વધુ જોરશોરમાં ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં જ કોંગ્રેસનો હાથ છોડીને પત્રકાર પરિસદ કરી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગીઓ વ્યક્ત કરનાર કોંગ્રેસના પૂર્વ નેતાઓ હવે ભાજપમાં જવાના સંકેત આપી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેજપ્રીત શોખી તેમજ પ્રદેશ યુવા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિતના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની માહિતીઓ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા એક સાંધેને તેર તૂટે જેવી આજકાલ બની હોય તેમ એક બાદ એક હોદ્દેદારોએ પંજાને અલવિદા કહેતા તે બાબત પરથી સ્પષ્ટ કહી શકાય તેમ છે.
વિધાનસભા ચૂંટણીઓ પહેલા જ્યાં એક તરફ સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસના હોદ્દેદારો મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસનો હાથ છોડી અન્ય પાર્ટી તરફ કેટલાય કોંગ્રેસીઓ વળી રહ્યા છે જે બાદ હાલ કોંગ્રેસનો કકળાટ તેની ચરમસીમાએ પહોંચ્યો હોવાનુ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કોંગ્રેસના આંતરિક ઝઘડાનો ભાજપ પણ ભરપૂર ફાયદો ઉઠાવવાની તક ન છોડવા માંગતી હોય તેમ નારાજ નેતાઓને કમલમ સુધી પહોંચાડવાની તજવીજમાં લાગી હોવાનું પણ મિડિયા માધ્યમો થકી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744