લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ગેરંટી પિરીયડ ઘરાવતા સંબંધિત ઈજારાધારકો પણ રસ્તાઓમાં પેચવર્ક કરવાની કામગીરી કરી રહ્યા છે. તંત્ર દ્વારા તાકીદના ધોરણે હાથ ધરાયેલી મરામત કામગીરીને પગલે રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોએ રાહત અનુભવી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
ભરૂચ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં કુલ ૯૧ કિમીના ૫૨ રસ્તાને નુકશાન થયું છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ-રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી. છેલ્લા ચાર દિવસ દરમિયાન ફરી વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા. જેથી શનિવારથી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ.વી.વસાવાના માર્ગદર્શન હેઠળ ટીમ સાથે સ્થળ પર પહોંચી તાકીદે મરામત કામગીરી શરૂ કરાવી હતી. જેને કારણે હાલમાં વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા અને બિસ્માર માર્ગ પરથી હાલક-ડોલકભરી સ્થિતિમાં પસાર થવાની મુસીબતમાંથી મુક્તિ મળી છે.
આ અંગે ભરૂચ માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એ.વી. વસાવા જણાવ્યું કે, જિલ્લામાં ૯૧ કિમીના ૫૧ રસ્તાની અંદાજે રૂ. અંદાજીત ૪ કરોડ ૩૦ લાખના ખર્ચે મરામત કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જે રસ્તા પર સતત લોકોની અવર જવર વધુ હોય ત્યાં ટીમને તૈનાત કરી સતત કામગીરી ચાલુ રાખી છે. જેથી લોકોને રાહત મળી શકે. અત્યાર સુધીમાં ૫૧ માંથી ૨૫ રસ્તાઓ પર મેટલ પેચની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે ૨૬ જેટલા રસ્તાની કામગીરી હાલ પ્રગતિમાં છે.