ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પશુ તસ્કરીના બનાવો સામે આવી રહ્યા છે. ફોરવ્હીલ કાર લઇને આવતા પશુ તસ્કરોએ હવે પશુ પાલકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે, રાત્રીના અંધારામાં નીકળતી પશુ તસ્કરી ગેંગના કારનામા હવે આમોદ તાલુકામાં ગુંજી રહ્યા છે.
આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેના એક વિસ્તારમાં ફોરવ્હીલ કારમાં સવાર થઇને આવેલા તસ્કરોએ એક બાદ એક મકાનની બહાર બાંધેલા સાત જેટલા બકરાઓની બિન્દાસ અંદાજમાં ચોરી કરી પલાયન થઇ જતા પશુ પાલકોમાં ભારે ખળભળાટ મચ્યો છે. જોકે તસ્કરોની તમામ કરતૂતો નજીકમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતા સમગ્ર મામલે આમોદ પોલીસે ફૂટેજના આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
મહત્વની બાબત છે કે આમોદ અને જંબુસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભુતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે તેમ છતાં પશુ તસ્કરોએ વધુ એક ઘટનાને અંજામ આપી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો હોય તેમ સમગ્ર ઘટના ક્રમ બાદથી મામલો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બિન્દાસ અંદાજમાં પશુઓની ચોરી કરી પલાયન થતા ત્રણથી ચાર અજાણ્યા ઈસમોની કરતૂતો બાદથી પશુ પાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744