સ્વ. અહેમદભાઈ પટેલને શકીલ બદાયુનીનો એક શેર ખાસ પસંદ હતો.
” મેરા અઝમ (AZM) ઇતના બુલંદ હૈ કી
પરાયે શોલો કા ડર નહીં,
મુઝે ખૌફ આતીશ-એ- ગૂલ સે હૈ
યે કહીં ચમનકો જલા ના દે “…
(અઝમ = AZM = Determination = સંકલ્પ )
( આતીશ-એ- ગૂલ = Flame of Flower
= ફૂલમાંથી પ્રગટતી આગ..!!..)
એક વરીષ્ઠ કોંગ્રેસી આગેવાન પોતાના જાહેર પ્રવચનો કે પાર્ટી મિટિંગોમાં આ શેર બોલતા હતા ત્યારે કોંગીજનો તાળીયો પાડતા હતા અને અહેમદભાઈના શેરો- શાયરી પ્રત્યેના લગાવને મહત્વ આપતાં હતા.પરંતુ કોઈએ એ નેતાની વેદનાને સમજવાનો કે મર્મ પકડવાનો પ્રયત્ન કર્યો નહીં.
કોંગ્રેસને કોઈ હરાવી શકે તો એ કોંગ્રેસી જ હોય શકે… એવુ પણ તેઓ ખુલ્લા મને અને વારંવાર બોલ્યા છે. તેમની હયાતીમાં, તેમણે સજાવેલા ચમનમાં, આગના માત્ર ઉપરછલ્લા છમકલા સર્જાતા હતા પરંતુ હવે તેમનો ડર વધુ બિહામણું સ્વરૂપ લઈ રહેલો જણાય છે. જવાબદાર નેતાઓ, હોદ્દેદારો જ વફાદારી નેવે મૂકી, પક્ષને ડુબાડવા જાણે વિરોધપક્ષોનો હાથો બની રહ્યા છે. વિભિષણ વગર તો રામજીને પણ ક્યાં કામયાબી મળી હોત??…
મૃદુ સ્વભાવ, સોબર સોચ, ખ઼ુદાની બંદગી અને વફાદારીના સંસ્કાર જેમની ઓળખ હતી એવા અહેમદભાઈએ આંખોના ડોડા કાઢી કોઈને ધમકાવ્યો હોય કે કોઈ પાસે કામ લીધું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. હા, તેમની એક આગવી ઢબ હતી…. રાજકારણમાં તેવો અવ્વલ હતા. થપ્પડ મારવા કરતા ખભે હાથ મૂકીને વધુ ચોટદાર ઘા કરી શકાય એવી થીયરી તેમણે વિકસાવી હતી.
એથી જ કદાચ, જીગર મુરદાબાદીનો એક શેર પણ તેમને ખાસ પ્રિય હતો :-
” ઉનકા જો ફર્ઝ હૈ વો અહેલ-એ-શિયાસત જાને,
મેરા પૈગામ મુહબ્બત હૈ, જહાં તક પહોંચે… ”
સૌને સાથે રાખીને દેશ પર શાસન ચલાવવાના પ્રયોગમાં બબ્બે વાર સફળ રહેનાર ભરૂચ જિલ્લાના પીરામણ ગામના આ રાજકારણના શિલ્પીની આજે તેમની પાર્ટીને ખુબ ખોટ પડે જ છે. વિવિધ પક્ષોની વિચારધારા વચ્ચે માર્ગ કાઢીને આગળ વધવાની કુનેહ ધરાવતા અહેમદભાઈ ઇતિહાસમાં અમર થઇ ગયા છે અને અમો ભરૂચ જિલ્લાવાસીઓને આગવી ઓળખ આપતાં ગયા છે. ત્યારે આજના તેઓશ્રીના જન્મદિને, તેમનો જ વધુ એક પસંદીદા શેર ટાંકવાનું યોગ્ય રહેશે.
” હજારો સાલ નરગીશ અપની બે-નુરી પે રોતી હૈ,
બડી મુશ્કિલસે હોતા હૈ ચમનમેં દિદા-વર પેદા… ”
(અલામા ઇકબાલ )
( દિદા-વર = ઝવેરી, પારખું )
પોતે કઈ પણ લીધા વગર, કોને કયો હોદ્દો આપવો ને કોને ક્યુ મંત્રાલય આપવું તેની કેન્દ્રીય સ્તરે રાજકીય સલાહ આપવાની ત્રેવડ ધરાવતા અહેમદભાઈ સાચા અર્થમાં હીરા પારખું હતા એવુ તો વિપક્ષ પણ સ્વીકારશે.
આજે, સૂંઠના ગાંગડે ગાંધી બની બેઠેલા કહેવાતા રાજકારણીઓ પાસે સંગઠન,વફાદારી, દીર્ઘદ્રષ્ટિ અને ખાસતો હું નહીં આપણે…. એવા વિચાર, વર્તનની અપેક્ષા ઠગારી નીવડતી હોય છે ત્યારે અહેમદભાઈ પટેલની યાદ આવવી સ્વભાવિક છે.
પોતાના જ આગળ કરેલા, જીતાડેલા, સ્થાપિત કરેલા આગેવાનો જયારે ગદ્દારી કરે, પક્ષ બદલે, લોભ-લાલચમાં આવી જાય ત્યારે પણ તેને ગદ્દાર તરીકે નવાજવાની જગ્યાએ મૃદુ ભાષામાં ” આતીશ-એ-ગૂલ ” કહીને આગળ વધી જવાની સ્ટાઇલ તો અહેમદ પટેલ જ વાપરી શકે. એથી જ તો આ વ્યક્તિત્વ સતત યાદ આવ્યા કરે છે. જેણે જાતે દિવસ રાત એક કરીને, મજૂરી કરીને, ચમનમાં ગુલાબ ઉગાડ્યા હોય અને એજ ગુલાબ મહેકવાની જગ્યાએ આગ ઓકે…ત્યારે એ માળીની દશા શું થાય?? ( બાણશૈયા પરના ભીષ્મ પિતામહ..!!..)
દેશ વિદેશમાં પોતાના પરિશ્રમથી પરખાયેલા, વિચક્ષણ, સૌમ્ય અને સંબંધોના સ્વામી એવી આદરણીય પ્રતિભાને આજના દિવસે ફરી એકવાર યાદ કરી નમન સાથે 🙏 જય હિન્દ.
પ્રોઉડ ઓફ ગુજરાત પરિવાર તરફ થી સાચા મનથી યાદ🙏