ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે ખેતી સારી જશે તેવી આશ સાથે વાવેલા બીજ પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતીનું સર્જન આજકાલ ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા અનેક ખેડુતોના થયા છે, સરદાર સરોવર નર્મદા ડેમના એક બાદ એક તમામ દરવાજા ખોલી સાત લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા તેની સીધી અસર હવે ભરૂચ જિલ્લામાં પડી છે. સતત સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં આવી રહેલા પાણીનાં પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક ૨૪ ફૂટની સપાટી વટાવી ૨૬ ફૂટ આસપાસ વહેતી નજરે પડી છે, જેને પગલે ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, ઉમલ્લા, રાજપારડી આસપાસના નદી કાંઠાના ખેતરોમાં પુરના પાણી પ્રવેશી જતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાની થઇ છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી ડ્રોન કેમેરાની મદદથી આકાશી તસ્વીરો લેવામાં આવતા પુરથી તારાજીનો નજારો જોવા મળ્યો હતો, જ્યાં અંકલેશ્વર નદીકાંઠા વિસ્તારના અનેક ખેતરો પુરના પાણીમાં સમાઈ ગયેલા નજરે પડ્યા હતા. ખેતરોમાં ભરપૂર માત્રામાં પાણીના પગલે ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુક્શાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સતત ત્રણ દિવસથી પુરના પાણી રહેતા ખેતરો બેટ સમાન સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં પુરના પાણીના પગલે જ્યાં એક તરફ હજારો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તો અનેક એવા પરિવારો પણ છે જે પોતાના મકાનોના દ્વાર પાસે ઉભા રહી પાણી ન વધે તેવી મનોમન પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે. ભરૂચ શહેરના વેજલપુર, ફુરજા નદી કાંઠે પણ પુરના પાણીના પગલે કાંઠે વસતા લોકોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થઇ છે જે બાદ લોકો વળતર માટે પણ તંત્રને અપીલ કરી રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744