ચાલુ વર્ષે ચોમાસાની સ્થિતિમાં ભરૂચ નગરપાલિકામાં રસ્તા બનાવવા કોન્ટ્રાક્ટ મેળવવા ધમપછાડા કરતા કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મસમોટા ખાડાએ જ્યાં એક તરફ વાહન ચાલકોના શરીરના તમામ હાડકા હલાવી મુક્યા છે તો બીજી રસ્તા પર પડેલા ખાડા બાદ પાલિકા હવે ખાડા પુરવાની કામગીરીમાં લાગી ગઇ છે.
માત્ર ગણતરીના વર્ષ કે મહિનાઓમાં બનેલા રસ્તાઓ આજે બત્તર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ભરૂચના કેટલાય એવા વોર્ડ અને વિસ્તાર છે જ્યાં આજે પણ બિસ્માર માર્ગો પરથી પસાર થવું મુશ્કેલીઓ સમાન બન્યું છે, ઠેરઠેર જાહેર માર્ગો પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી છવાઈ છે. ખાડાને લઇ કેટલાય લોકો હવે આંદોલનના માર્ગે પણ ઉતર્યા છે. ગતરોજ શહેરના ખાડાઓને લઈ રીક્ષા એસોસિએશન દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.
શહેરમાં પડેલા ખાડા પુરવા માટે હવે પાલિકાનું તંત્ર પણ કામે લાગ્યું હોય તેમ એક વાયરલ વીડિયો આજે સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ નગરપાલિકા નજીક પડેલા મસમોટા ખાડાને પુરવા માટે પાલીકાના કર્મીઓને હવે પેવર બ્લોકનો સહારો લેવો પડતો હોય તેમ વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે, સાથે જ જાગૃત નાગરિક બોલી રહ્યો છે કે રોડ બનાવવાના પણ પૈસા અને તેમાં પડેલા ખાડા પુરવા પેવર બ્લોક બેસાડવાના પણ પૈસા આમ પાલિકા સામે આક્ષેપ કર્યા હતા.
મહત્વની બાબત છે કે પ્રજાના ટેક્સ પૈસે ચાલતી પાલિકા અને વિકાસના કામો કરવાના વચનો આપી શહેરના જે તે વોર્ડ માંથી ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ શુ ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૨ કે ૫ વર્ષ ચાલે તેવી ગેરંટીવાળા રસ્તાઓ બનાવવામાં કે તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામા સક્ષમ નથી ? કે પછી એક વર્ષે તૂટી જાય તેવા માર્ગોને દર વર્ષે મંજુર કરી પ્રજાના પૈસાનું ઇંધણ કરવા સાથે ભ્રષ્ટાચારને જ પ્રોસાહન આપવું છે તેવી બાબતો હાલ જાગૃત નાગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744