ભરૂચ શહેરનાં દાંડિયાબજાર વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા વનસ્પતિજન્ય ગાંજો એ ડિવીઝન પોલીસે ઝડપી પાડયો છે. ભરૂચમાંથી ડ્રગ્સ અને નાર્કોટિકસના ગુનાને અટકાવવા માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે. ભરૂચના દાંડિયાબજાર ખાતેથી ઇન્ચાર્જ પો.ઈન્સ્પેકટરે બાતમીના આધારે 80,000 થી વધુના ગાંજાનો જથ્થો તથા 65,010 ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક દંપતીને ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્ચાર્જ પો.મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ અને ભરુચ જિલ્લા પો.અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા શહેરમાં ડ્રગ્સ અને નાર્કોટિકસને લગતા ગુનાઓને અટકાવવા માટે સૂચન આપવામાં આવ્યું હતું જેના આધારે ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.પી.ઉનડકટને બાતમી મળેલ કે ભરૂચના દાંડિયાબજાર ખાતે રહેતા જૈનેશભાઈ મુકેશભાઇ પટેલ અને તેમના પત્ની અરુણાબેન જૈનેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન એ-2438 ચિંગસપુરા પટેલ ફળિયું, દાંડિયાબજાર ખાતે માદક કેફી પદાર્થ વનસ્પતિજ્ન્ય ગાંજો 8 કિલો 13 ગ્રામ કિં.રૂ.80,130 રાખેલ હોય તેમજ વધુ તપાસ કરતાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલ નંગ 155 કિં.રૂ.65,010 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1,55,140 ના મુદ્દામાલ સાથે દંપતીને ઝડપી પાડ્યા છે તેમજ ગાંજાનો આ જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો અને ઇંગ્લિશ દારૂનો જથ્થો કેવી રીતે રાખવામા આવ્યો હતો તે સહિતની વિગતોનો તાગ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ તમામ કામગીરી ભરૂચ સિટી એ ડીવીઝનના સ્ટાફે કરી હતી.