નર્મદા ડેમની જળ સપાટી તા.૧૭ મી ઓગસ્ટ, ૨૦૨૨ ને મંગળવારના રોજ ૧૨=૦૦ કલાકે ૧૩૪.૪૧ મીટરે નોંધાયેલ છે. ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૩.૪૩ લાખથી પણ વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે. જેના અનુસંધાને ડેમના ૨૩ દરવાજા ૨.૯૦ મીટર સુધી ખોલીને સરેરાશ આશરે 5. લાખ 63 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. નર્મદા નદીમાં પાણી છોડ્યા બાદ તા.૧૭ મી ઓગસ્ટે બપોરે ૫ વાગ્યાની સ્થિતિએ ભરૂચ ગોલ્ડન બ્રિજનું જળ સપાટી ૨૫. ૩૩ ફુટ નોંધાઈ છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જીલ્લાના નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી ૫ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યુ છે. જેથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા હોય, નાગરિકોને સલામતીના ભાગરૂપે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં ન જવા તેમજ સાવચેતી રાખવા અપિલ કરી હતી. તે ઉપરાંત નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. તેમજ જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ, ઝગડીયા, અને હાંસોટ તાલુકાના મામલતદારશ્રીઓ, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
તાલુકાના નદી કિનારાના ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે સાવચેત કરવામાં આવ્યાં છે. તે સાથે માછીમારી ન કરવા માટે માછીમારોને તંત્ર દ્વારા અપિલ કરાઈ હતી. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કુકરવાડા ગામમાંના ૬૦ જેટલા ઢોરઢાંખરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તદ્ઉપરાંત, જિલ્લા પોલીસતંત્ર દ્વારા નદી કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ નદી કાંઠે ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ લખાય છે ત્યારે તા-૧૭/૦૮/૨૦૨૨ ના સાંજે ૦૪:૦૦ કલાકે ગોલ્ડન બ્રિજની સપાટી ૨૫.૨૬ ફૂટ છે.સાંજે ૦૫:૦૦ કલાકે ૨૫.૩૩ ફૂટ છે. સાંજે ૦૬:૦૦ કલાકે ૨૫.૩૬ ફૂટ છે. જે રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધી ૨૬.૨૫ ફુટ જશે અને તેનાથી પણ વધી શકે છે એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ,ભરૂચ કલેકટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.