મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે, ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે, ત્યારે નર્મદા જિલ્લા સ્થિત આવેલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ડેમમાં સતત પાણીની આવકના પગલે ડેમની જળ સપાટી ૧૩૫ મીટરને પાર પહોંચી ચૂકી છે, જે બાદ તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના તમામ દરવાજા ખોલી નર્મદા નદીમાં જળ વહેતુ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮,૬૮ મીટર છે, ત્યારે ઉપરવાસમાંથી સતત ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે જાવક માટે હવે તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમ ભાગમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટીથી ગણતરીના મીટર નીચે વહી રહ્યું છે, ડેમના દરવાજા ખોલવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા નદી હાલ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે સવારે ૧૦ કલાક સુધી ૨૪ ફૂટના ભયજનક લેવલને પાર કરી ૨૫ ફૂટ આસપાસ વહી રહી છે. ભરૂચ નજીક સતત નર્મદા નદીમાં વધતા જળ સ્તરના પગલે આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી તંત્રએ ૨૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા હોવાનું જાણવા મળ્યું છે. ડેમમાંથી સતત છોડવામાં આવતા પાણીના પગલે ભરૂચ, અંકલેશ્વર, અને ઝઘડિયા આસપાસના વિસ્તારોમાં પુરનો ખતરો ટોળાઈ રહ્યો છે.
ભરૂચ નજીક નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપમાં આવતા સ્થાનિક કાંઠા વિસ્તારના લોકોએ સલામત સ્થળે ખસવાની નોબત આવી છે, તો બીજી તરફ જો સપાટી વધી ૩૦ ફૂટને પાર પહોંચે તો શહેરી નીચાણવાળા વિસ્તાર ફુરજા ચાર રસ્તા, વેજલપુર ઓવારા, દાંડીયા બજાર, કસક સહિતના અનેક વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશવાની સાંભવના નકારી શકાય તેમ નથી. હાલ તો નદીમાં વધતા જળ પ્રવાહના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. સતત સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે, સાથે જ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ સહિત સ્થાનિક મામલદાર અને ફ્લડ કન્ટ્રોલના કર્મીઓ પણ સતત સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744