મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે ગુજરાતના ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાંથી પોલીસે લગભગ 513 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1,026 કરોડ રૂપિયા છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી છે. જેમાંથી 5 લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને બે આરોપી એન્ટી નાર્કોટિક્સ સેલની કસ્ટડીમાં છે.પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ ખાસ કરીને યુવાનોને નિશાન બનાવે છે. આ ડ્રગ્સ હાઈ પ્રોફાઈલ સર્કલમાં સપ્લાય કરવામાં આવે છે.
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં ૨ અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ગઈ રાતે ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીની આડમાં ચાલતી લેબોરેટરીમાંથી ગુજરાત એટીએસએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. એટીએસએ 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744