ભરૂચ શહેરમાં રખડતા ઢોરો રાહદારીઓ અને વાહન ચાલકો માટે સતત મુશ્કેલી સમાન બની રહ્યા છે, રખડતા ઢોરના પગલે જાહેર માર્ગો ઉપરથી પસાર થવું શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બન્યું છે, આમ જ સાંકડા માર્ગો અને એ વચ્ચે પણ ઠેરઠેર કેટલાય સ્થળે માર્ગો પર વચ્ચોવચ અડીંગો જમાવી બેસી જતા ઢોરોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થતું હોય છે.
ભરૂચ શહેરના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તાર તેમજ કીર્તિ સ્તંભ સર્કલ અને કલેક્ટર કચેરીથી કોર્ટ રોડ તરફ જતા માર્ગ પર તો જાણે રખડતા ઢોરોની સમસ્યા બારે માસની બની હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય છે, કેટલાક સ્થળે તો આખલા બાખડી પડતા હોય વાહનોને તેમજ પસાર થતા રાહદારીઓને પણ જીવનું જોખમ ઉભું થતું હોય છે. રસ્તા વચ્ચે જ બેસતા ઢોર આખેઆખું માર્ગ રોકી લેતા હોય છે જેને પગલે લોકોએ પણ સાવચેતી પૂર્વક તેઓની નજીકથી પસાર થવાની નોબત આવતી હોય છે.
રખડતા ઢોરના કારણે ભૂતકાળમાં અકસ્માતની ઘટનાઓ પણ સર્જાઈ ચુકી છે તો કેટલાક બનાવોમાં લોકોએ ઇજાગ્રસ્ત થવું અથવા જીવ ગુમાવવું પડે તેવી સ્થિતીનું પણ સર્જન થતું હોય છે, ભરૂચ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા રખડતા ઢોરને પાંજરે પુરી પાંજરા પોર જેવા સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. જોકે તે કામગીરી પણ માત્ર ગણતરીના દિવસોમાં સમેટાઇ ગઈ હતી ત્યારે વર્તમાન સમયમાં સ્થિતિ જૈસે થે તેવી થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના જાહેર માર્ગો પર અડીંગો જમાવી બેસતા આ પ્રકારના રખડતા ઢોર મામલે તંત્રએ સતર્ક થવાની તાતી જરૂર જણાઈ રહી છે, હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિનું સર્જન કરનાર ઢોરને તેના માલિક અથવા પાંજરા પોર ખાતે વ્યવસ્થા કરી ત્યાં ખસેડી મુકવા જોઈએ તેમ આ પ્રકારની સ્થિતિ બાદથી લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744