૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભરૂચ ભાજપ શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક યાત્રા યોજાઈ હતી જે વિવિધ માર્ગો ઉપરથી નીકળતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ માં વર્ષ નિમિત્તે એક રાષ્ટ્ર તરીકે સામુહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બની જાય છે.આ અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે. ત્યારે હર ઘર તિરંગા રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.જે અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૯ મી ઓગસ્ટથી ૧૫ મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર યુવા મોરચો અને તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર યુવા મોરચાની તિરંગા બાઈક રેલી કસક નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર મહામંત્રી દિપક મિસ્ત્રી સહિતના આગેવાનો અને હોદ્દેદારો તેમજ શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી સહિત સભ્યો જોડાયા હતા. તિરંગા બાઈક રેલી વિવિધ માર્ગો ઉપરથી પસાર થતા દેશભક્તિનું વાતાવરણ ઉભુ થયુ હતું. આ યાત્રાનું ભૃગુઋષિ ઓવરબ્રિજ થઈ શકિતનાથ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
તો બીજી તરફ તાલુકા યુવા મોરચા દ્વારા યોજાયેલ તિરંગા બાઈક રેલી ઝાડેશ્વર ગ્રામપંચાયત ખાતેથી ડીજે સાથે રાષ્ટ્રભકિતના તાલે શરુ કરવામાં આવી હતી. જે રેલી વિવિધ માર્ગો ઉપરથી પસાર થતા સમગ્ર માર્ગ ઉપર તિરંગા તિરંગા જ નજરે પડતા હતા અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ઝાડેશ્વર તાલુકા પંચાયતના સભ્યો, યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરન અને શક્તિસિંહ પરમાર, યુવા મોરચાના તાલુકા પ્રમુખ જયદેવ પટેલ સહિત ઝાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા.