ભરૂચ જિલ્લામાં વર્તમાન ચોમાસાની ઋતુ મન મૂકીને જામતી દેખાઈ રહી છે. જિલ્લામાં જ્યાં એક તરફ સારા વરસાદથી ચોમાસું પાક લેતા ખેડૂતો ખુશખુશાલ છે તો બીજી તરફ જળાશયોમાં નવા નીર આવતા અંતરિયાળ વિસ્તારના લોકોના મોઢે સ્મિત જોવા મળી રહી છે, જ્યાં તમામ ડેમોમાં સારો એવો જળસ્તર થતા આગામી ઋતુઓમાં ઉત્પન્ન થતા પાણીના કકળાટમાંથી કેટલાય ગ્રામ્ય વિસ્તારોના લોકોને રાહત મળી શકે તેમ છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં આવેલ ધોલી, પિંગુટ અને બલદવા ડેમ હાલ પાણીથી છલોછલ થઈ ગયા છે અને તમામ ડેમો ઓવરફ્લો થઇ રહ્યા છે, જ્યાં બલદવા ડેમ ૨ સે.મી તો ધોલી અને પિંગુટ ડેમ ૧૦ સે.મી ઉપર ઓવરફ્લો થઇ રહ્યા છે, મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લાના આ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની ઋતુ દરમિયાન ડેમોમાં પૂરતા પ્રમાણમાં જળ સ્તર ન રહેતું હોવાના કારણે અવારનવાર સ્થાનિક રહીશો અને ખડૂતોને જળ વિના વલખા મારવાની નોબત આવતી હોય છે તેમજ ખેતી પર અને પશુપાલન પર પણ તેની અસર પડતી હોય છે.
તેવામાં હાલ અંતરિયાળ વિસ્તારોમાં આવેલ તમામ જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહ થઇ જતા આગામી ૬ થી ૭ મહિના સુધી આ વિસ્તારના લોકોને જળકટોટીમાંથી મુક્તિ મળી શકે તેમ છે, હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં શ્રાવણની મેઘ મહેર ભરપૂર પ્રમાણમાં જામેલી જોવા મળી રહી છે જેને લઇ આ વિસ્તારોમાં કુદરતી સૌંદય પણ સોળે કળાએ ખીલી ઉઠેલું નજરે ચઢી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744