ભારત દેશના સર્વોચ્ચ સ્થાને પ્રથમ આદિવાસી સમાજના મહિલાની ભાજપ દ્વારા પસંદગી થતાં ત્રણ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા તેમનો અભિવાદન સમારંભ આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપના આદિવાસી મોરચાના મહામંત્રી અર્જુનભાઇ ચૌધરી, પ્રદેશમંત્રી શાંતિલાલ વસાવા ઉપસ્થિત રહયા હતા. તેમજ જિલ્લા મોરચાના હોદેદારો અને સંઘઠનના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના કાર્યકરો અને ત્રણેય તાલુકાના હોદેદારો તેમજ પદાધિકારીઓ અને સરપંચો ઉપસ્થિત રહયા હતાં.આ ઉપરાંત માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દિપક ચૌહાણ, ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,આમોદ શહેર ભાજપના પ્રમુખ મહેશભાઈ શાહ સહિતના હોદેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.તેમજ વડોદરાથી કબીરપંથના પૂજ્ય ખેમદાસ બાપુ, ભરૂચના ઝાડેશ્વરથી રણછોડદાસ સાહેબ સહિતના સંતો પણ ઉપસ્થિત રહી આદિવાસી સમાજને સુંદર સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે. સ્વામીએ આદિવાસી સમાજમાં ચાલતાં વ્યસન દૂર કરી સમાજને નિર્વ્યસની બનાવવા જણાવ્યું હતું તેમજ આદિવાસી સમાજને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા હાકલ કરી હતી.વડોદરા અને ભરૂચથી પધારેલા કબીરપંથી સંતોએ આદિવાસી સમાજમાં ચાલતા દારૂ, જુગારના વ્યસનો દૂર કરી સમાજ ઉચ્ચ શિક્ષણ મેળવવા કટિબદ્ધ બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આમોદ તાલુકા આદિવાસી મોરચા પ્રમુખ જયંતીભાઈ વસાવા તથા ભાજપના આદિવાસી આગેવાન ઘનશ્યામભાઈ વસાવાએ ભારે જહેમત ઉઠાવી હતી.
સમૂહમાં એકસાથે રાષ્ટ્રગીતને સલામી આપ્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિવાસી મોરચાના પ્રદેશ ભાજપના મહામંત્રી અર્જુનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત દેશના સર્વોચ્ચ પદ ઉપર પ્રથમ આદિવાસી સમાજના મહિલાની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડાનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ આ વિસ્તારમાં પૂજ્ય ડી.કે.સ્વામી દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે વ્યસન મુક્તિ અને શિક્ષણનું કામ કરી રહ્યાં છે. જે ગૌરવની વાત છે.
દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતાં ત્રણ તાલુકાના આદિવાસી સમાજનો આમોદ ખાતે અભિવાદન સમારંભ યોજાયો.
Advertisement