ભરૂચ ખાતે વર્ષોથી કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 30 મહિલાઓને સ્વરોજગાર મળી રહે એ માટે સીવણ ક્લાસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ પૂરી થયા બાદ તમામ શિક્ષિત મહિલાઓ માટે મદદરૂપ સહાય ડેકન ફાઈન કેમ કંપની દ્વારા આપવામાં આવશે.
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ ક્ષેત્રે અને એમાં પણ ખાસ કરીને મહિલા સ્વરોજગાર તેમજ બાળ શિક્ષણ પરત્વે અત્યંત મહત્વની ભૂમિકા વર્ષોથી ભજવી રહ્યું છે. આ ટ્રસ્ટ તેમજ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને ડેક્કન ફાઈન કેમ કંપનીના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ મહિલાઓ માટે સીવણ ક્લાસનો તાલીમ વર્ગ આજથી શરૂ થયો છે, જેમાં ત્રણ મહિનાની તાલીમ બાદ શિક્ષિત મહિલાઓને ડેક્કન ફાઇન કેમ કંપનીના સૌજન્યથી સર્ટીફીકેટથી સન્માનિત કરીને સીવણ મશીન સહિતની કીટ અર્પણ કરવામાં આવશે.
ભરૂચના ધનલક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મરહુમ અહેમદ પટેલના પુત્રી અને એચ.એમ.પી ફાઉન્ડેશનના મુમતાઝ પટેલ, ડેક્કન ફાઈન કેમ કંપનીના એચ આર મેનેજર વિપુલ રાણા, સમીર નેસાડી, રાહુલ શાહ ઉપરાંત જન શિક્ષણ સંસ્થાના ઝૈનુદ્દીન સૈયદ, ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં થાન ચરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે આટલી સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે એ ખરેખર આનંદની વાત છે અને મહિલાઓએ પણ આ બાબતે પોતે જાગૃત બનીને સ્વનિર્ભર, સ્વરોજગાર માટે આગળ આવવાની જરૂર છે.
ડેકકન ફાઈન કેમ કંપનીના એચ આર મેનેજર વિપુલ રાણાએ જણાવ્યું હતું કે અમે હંમેશા આવી મહિલા સ્વરોજગાર સહિતની સમાજલક્ષી અને સમાજસેવી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીએ છીએ. આગામી દિવસોમાં પણ આ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીશું. આ તમામ મહિલાઓને તાલીમ પૂર્ણ થયા બાદ સીવણ મશીન કંપની તરફથી આપવામાં આવશે અને તેઓને સ્વનિર્ભર બનાવવા માટે અમારા તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.