નારી વંદન ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાના આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન વર્ષાબેન દેશમુખના અધ્યક્ષ સ્થાને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો.
આ પ્રસંગે મહીલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન વર્ષાબેન દેશમુખે અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા મહિલાના સામાજિક તથા આર્થિક ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલ મૂકવામાં આવી છે. આ ઉપરાંત વધુમાં એક નક્કર પગલાં તરીકે મહિલાઓના સન્માન માટે “નારી વંદન ઉત્સવ” ઉજવણી કરીને રાજ્ય સરકારે સરહાનીય કાર્ય કર્યુ છે.
આ વેળાએ મહિલા સ્વરોજગાર મેળામાં મહિલા મોરચાના પ્રમુખ કામીનીબેન પંચાલે મહિલા સશક્તિકરણની વાત કરતાં જણાવ્યું કે, દેશની નારી સશક્ત તો દેશ સશક્તની ભાવના આજના આ પ્રસંગે સાચા અર્થમાં સાબિત થઈ છે. તેમણે વધુમાં ઉપસ્થિત મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઇને પોતાના તથા પરિવારનો વિકાસ માટે રાજય સરકારે અમલમાં મૂકેલ વિવિધ યોજનાઓના લાભ થઈને સશક્ત બનીને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણની વિભાવનાને ચરીતાર્થ કરે તેમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લાભાર્થી બહેનોને વિવિધ સહાયના ચેક તથા સ્વરોજગાર કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળામાં ભરૂચ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની માહિતી પુસ્તિકા, આઇઇસીનું વિતરણ કરવામાં આવેલ હતું. રોજગાર કચેરી, ઉદ્યોગ કચેરી, ગ્રામ વિકાસ ટ્રસ્ટ, તેમજ આરસેટી દ્વારા પોતાના સ્ટોલ લગાવેલ અને મહિલાઓ પગભેર થઈ શકે એ માટે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેષ વસાવા, આઇ સી ડી એસ ના પ્રોગામ ઓફીસર કોમલ ઠાકોર તથા લીડ બેન્ક મેજેનર જિગનેશભાઈ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.