ભરૂચ પશુપાલન વિભાગ દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે જિલ્લાના કવિઠા ગામમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તંદુરસ્ત પશુઓમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું કે, રાજ્યના કુલ ૧૫ જિલ્લાઓના ૧૨૨૨ ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝ માટેની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કવિઠા મુકામે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં અંદાજિત ૨૦,૦૦૦ જેટલાં પશુઓને આ રસી આપવામાં આવશે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સૂમેરાએ જણાવ્યું કે હાલ જિલ્લામાં આ પ્રકારનો પશુઓને લગતી બીમારીનો લક્ષણ ધરાવતો એક પણ કેસ આવ્યો નથી. પરંતુ જિલ્લામાં તકેદારીનાં ભાગરૂપે લમ્પી વાયરસને ડામવા માટે આજથી જ રસીકરણની શરૂવાત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ખેડુતોને તથા પશુપાલકોને આ રસી આપવા અપીલ પણ કરી હતી. જિલ્લામાં ૯ તાલુકામા નિરોગી પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવવા રસીકરણ ટીમ કાર્યરત કરાઈ છે.
આ પ્રસંગે નાયબ પશુપાલન અધિકારી આર એલ વસાવાએ પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જાહેર અનુરોધ કર્યો છે. આ અભિયાનમાં જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, દૂધધારા ડેરીના કર્મચારીઓ ઉપરાંત ખેડૂતો તથા પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતા.