ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ વાલિયા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના ખંડેર બની ગયેલા મકાન સંદર્ભે હૈયાવરાળ ઠાલવી,ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે માત્ર જાતિવાદની વાત કરવાથી સમાજનો વિકાસ થતો નથી. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની દૂરંદ્રષ્ટિથી ભારતભરમાં ગરીબો માટે મફત શિક્ષણ સાથે રહેવા જમવાની સગવડ સાથેના શૈક્ષણિક સંકુલો બનાવ્યા હતા. સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યુ હતું કે આજે ભારતીય જનતા પાર્ટી ના રાજ માં તમામ ક્ષેત્રે ખાનગીકરણ જેમા શિક્ષણ પણ બાકાત રાખવામા આવ્યું નથી. ભરૂચ જિલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિદ્યાલય વાલીયા રૂપનગર ખાતે આવેલ છે. જેમાં મોટેભાગે આદિવાસી અને તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે કોરોનાના કારણે બંધ છે અને ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને મળે છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે, ત્યાંના તમામ ઓરડાઓ ખંડેર હાલતમાં થઈ ગયેલા છે, અને એનું કોઈ સમારકામ થતું નથી. વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે એટલું જ નહીં તેઓ ની કારકિર્દી અંધકારમય બની રહી છે.
સંદીપ માંગરોલા એ ભરૂચના સંવેદનશીલ કલેકટરને દરમ્યાનગીરી કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા સમાહર્તા જેએનવી માં સેવા બજાવી ચૂક્યા છે તેઓ શિક્ષકનો જીવ છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવી લે અને વાલીઓની ચિંતા હળવી કરવા જણાવ્યુ હતું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી આદિવાસી અને ગરીબ પરિવારો માટે ખૂબ જ ચિંતિત છે એવો દેખાવો કરનાર સરકાર અને તેના નેતાઓનું ધ્યાન આવા મુદ્દાઓ પર કેન્દ્રિત થાય એ જરૂરી છે માત્ર જાતિવાદ ભડકાવી કે રાષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી બનાવવાથી સમાજનુ ઉત્થાન થવાનુ નથી એમ સંદીપ માંગરોલા એ જણાવ્યુ હતું.