બોટાડના બરવાળા વિસ્તારમાં ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોની હાલત ખરાબ થઇ છે, અત્યાર સુધી ઝેરી દારૂ આરોગતા ૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ બાદ હવે પોલીસ વિભાગ પણ સમગ્ર ગુજરાતમાં સતર્ક થયું છે, ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ બાદ ઠેરઠેર દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ વિભાગે તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે.
ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ સતર્ક થયું હોવાની માહિતી મળી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગને મળતી માહિતી બાદ દરોડાઓ પાડવાની કવાયત શરૂ થઇ છે, સાથે જ સૂચનાઓ બાદ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં પણ અનેક સ્થળે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચના કુકરવાડા નદી કાંઠા વિસ્તારોમાં દેશી દારૂ ગાળવામાં આવતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
તો બીજી તરફ શહેરના લીમડી ચોક, તાળીયા, દાંડીયા બજાર, ઇન્દિરાનગર, કસક ઝૂંપડપટ્ટી, મકતમપુર વિસ્તાર, સરદાર બ્રિજની નીચેના ભાગનો વિસ્તાર, કાંસિયા નદી કાંઠાનો વિસ્તાર, અમરતપુરા, માંડવા, બોરભાઠા બેટ સહિતના આસપાસના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક બિન્દાસ અંદાજમાં દેશી દારૂ ગાળવા સાથે વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેવામાં આ દિશામાં પણ પોલીસ વિભાગે સતર્કતા દાખવી જેતે પોલીસ મથકોના બાતમીદારોથી માહિતી મેળવી દોરડા પાડવામાં આવે તેવી લોકમાંગ વર્તમાન લઠ્ઠાકાંડની સ્થિતિ બાદથી જાગૃત નાગરિકો વચ્ચેથી ઉઠવા પામી છે.
સામાન્ય રીતે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા રોજ મ રોજ દરોડા પાડી નશાનો વેપલો કરતા તત્વોને જેલ ભેગા તો કરતા જ હોય છે પરંતુ કેટલાક બુટલેગરો આજે પણ હમ નહિ સુધરેગેની નીતિ અપનાવી જામીન પર મુક્ત થયા બાદ પોતાનો નશાનો વેપલો ફરી ધમધમવતા હોય છે તેવામાં આવા તત્વો સામે પોલીસે સતત લાલઆંખ કરવાની તાતી જરુર જણાઈ રહી છે, ત્યારે અમારા અહેવાલ થકી જાહેર થયેલા જે તે વિસ્તારોમાં પણ પોલીસ વિભાગ તપાસ કરી દરોડા પાડે તે બાબત જરૂરી જણાઈ રહી છે, નહી તો આવા નશાનો વેપલો કરતા તત્વો ભરૂચમાં પણ લઠ્ઠાકાંડ જેવી સ્થિતીનું સર્જન કરી શકે તો નવાઈ નહિ તેવી બાબત લોકો વચ્ચે હાલ તો ચર્ચાઓમાં આવી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744