ભરૂચ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના નેજા હેઠળ આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને રીક્ષા ચાલકો તરફથી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, રીક્ષા ચાલકોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકા સહિતના તંત્રને રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ કરી હતી તેમ છતાં કામગીરી ચાલી રહી છે તેવી બાબતો કહેવામાં આવી રહી છે, જેને લઇ જે તે સ્થળે આજે પણ ગરીબ રીક્ષા ચાલકો પોલીસ વિભાગના દંડનો ભોગ બની રહ્યા છે.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરૂચમાં એક ખાનગી સીટીબસ સર્વિસને જે રીતે બસ સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું છે તે રીતે શહેરના રીક્ષા ધારકો માટે પણ તાત્કાલિક ધોરણે રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે જેથી કરીને હજારો રૂપિયાની દંડનીય રકમ ભરતા રીક્ષા ધારકોને દંડમાંથી મુક્તિ મળી શકે ને તેઓના પરિવારજનોનું ગુજરાન તેઓ સહેલાઇથી ચલાવી શકે તેમ છે.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે અનેક રીક્ષા ચાલક જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના નેજા હેઠળ પ્રમુખ આબીદ બેગ મિર્જાની આગેવાનીમાં ભેગા થયા હતા અને પોલીસની કામગીરી તેમજ તંત્રની રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની ઢીલી નીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ તેઓની માંગનું હવે પછી તંત્ર વહેલી તકે નિરાકરણ લાવશે તેવી આશા સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744