નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક- 39 માં બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે બાળ મેળાનું તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન શાળાના આચાર્ય હીનાબેન રાણાની ઉપસ્થિતિમાં થયું હતું.
સ્ટેશન રોડ મિશ્ર શાળા દ્વારા આયોજિત મેળામાં બાળકોએ ચીત્રકામ, છાપકામ, પ્રયોગોની પ્રવૃત્તિઓ, રંગપૂરણી, રંગોળી, નાટકો, બાળગીત, અભિનય ગીત, ફોલોઈંગ લાઈન, રેતીકામ, હાસ્ય દરબાર,એક મિનિટની રમત, ગડીકામ, જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ધોરણ 1 થી 5 ના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ બાળમેળાને ઉજાગર કર્યો હતો. બાળમેળામાં એસએમસીના સભ્ય રાગિણીબેન, કનુભાઈ દેસાઈ, દીપિકાબેન, સીઆરસી પંકજભાઈ એ હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. ધોરણ 6 થી 8 ના કુલ આઠ વિભાગોમાં બાળકોએ કામ કર્યું હતું.
વિભાગ 1 માં વેસ્ટમાંથી બેસ્ટ નમૂના, નકામા બોક્સમાંથી બેંગલ બોક્સ, કાગળ કપમાંથી તોરણ, મકાઈના છોળામાંથી ફુલ બનાવવા, વિભાગ 2 માં બેંકને લગતી તમામ માહિતી, ખાતા ખોલવાનું ફોર્મ, પૈસા જમા અને ઉપાડ કરવા માટેની માહિતી બાળકોને આપવામાં આવી હતી. વિભાગ 3 માં બાળકોને પોતાની વ્યક્તિગત સ્વચ્છતા અંગે, છોકરીઓને સેનિટરી નેપકીનની માહિતી આપવામાં આવી, સ્વચ્છતાનું નાટક, સ્વચ્છ ભારત પર ડાન્સ સોંગ, પ્લાસ્ટિક વિરોધમાં પ્લાસ્ટિક સોંગ કરવામાં આવ્યું હતું. વિભાગ-4 માં બાળકો દ્વારા વાર્તા કથન, અભિનય ગીત, અભિનય વાર્તા તથા જોક્સની રજૂઆત કરવામાં આવી હતી. વિભાગ 5 પર્યાવરણની ધૂન, સ્માર્ટ બોર્ડ પર બધા પ્રકારના પોલ્યુશન વિશેની જાણકારી તેનાથી થતા નુકસાનને અટકાવવા માટેના ઉપાયો બતાવી સમજાવવામાં આવ્યું હતુ. વિભાગ 6 માં સ્માર્ટ બોર્ડ પર બાળકોને વાંચન કરવામાં આવ્યું કાગળ પર નાના ચિત્રો લગાવી તેના વિશે વર્ણન લખાવવામાં આવ્યો. ભીંતચિત્રો અનુરૂપ ગુજરાતી – અંગ્રેજી વાક્યોનું લેખન કરાવવામાં આવ્યું વિજ્ઞાનના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. વિભાગ 7 માં સ્માર્ટ બોર્ડ પર ઉભી – આડી ચાવીની રમત રમાડવામાં આવી ભીત પરની ઇંગલિશ વર્ડ ગેમ શિક્ષકો દ્વારા રમાડવામાં આવી. વિભાગ 8 માં બાળકોએ કરેલા નમૂનાઓનું બાલપ્રદર્શન ભરવામાં આવ્યું હતું.