તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન ગયું છે. ખેડૂતો પાયમાલ બન્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. માર્ગો બિસ્માર બન્યા છે. તમામ મુદ્દે ત્વરિત નિર્ણયો લેવા જરૂરી છે. આ અંગે તાત્કાલિક સંકલન સમિતિની બેઠક બોલાવાય અને તેમાં અસરગ્રસ્ત વિસ્તારોના આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને ઉપસ્થિત રાખવા જિલ્લા કલેકટરને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિનંતી કરી છે.
ભરૂચ જિલ્લામાં ગયા અઠવાડિયે થયેલા ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે. ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. તેમને લાખોનું નુકસાન થયું છે. આ નુકસાની અંગેનો તાગ મેળવવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપસિંહ માંગરોલા, પરિમલસિંહ રાણા, સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, ઉસ્માન મિંડી, ભૂપેન્દ્રસિંહ દાયમા વગેરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ડી એમ એફ સી અને નર્મદા યોજનાની માઇનોર કેનાલોના અવરોધના કારણે પાણીનો નિકાલ થતો નથી. આમોદ તાલુકામાં વેલમ ખાડી ઉપર ભારણ વધતા ખેતરોમાં પાણી ભરાયા છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી તકલાદી રોડ વરસાદમાં તૂટી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું છે. આ સમગ્ર બાબત તંત્રના ધ્યાને લાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ૧૫ મી જુલાઈએ નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઉપરોક્ત આવેદનપત્રમાં ટાંકેલા મુદ્દાઓનું નિરાકરણ જલ્દી આવે તે જરૂરી છે. ભૂતકાળમાં આવી તારાજી સમય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ તે કાગળ પર જ રહી જાય છે. આ બાબતનું ફરીવાર પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવે અને તેમાં અસરગ્રસ્ત વિસ્તારના આગેવાનો, કોંગ્રેસ આગેવાનોને ઉપસ્થિત રાખવામાં આવે તેવી વિનંતી સંદીપસિંહ માંગરોલાએ જિલ્લા કલેકટરને કરી છે.