ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરો અડિંગો જમાવી બેસી જાય છે તો કેટલાય સ્થળે તો આ ઢોર રસ્તા વચ્ચે ઉભા રહી જતા હોય છે જેના કારણે વાહન ચાલકોને વાહન ક્યાં હંકારવું તે દિશા નિર્દેશ ચાલુ વાહને મળતા નથી અને આખરે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો તો ક્યાંક ઢોર સાથે બાઇક કે કાર અથડાઈ જવાના કારણે અકસ્માત જેવી ઘટનાઓનું નિર્માણ થતું હોય છે.
ભરૂચ શહેરનાં કલેક્ટર કચેરી બહાર, કોર્ટ રોડ, શક્તિનાથ વિસ્તાર, લિંક રોડ સહિત પશ્ચિમ ભરૂચમાં એ.પી.એમ સી રોડ તેમજ એમ.જી રોડથી આલી ઢાળ માર્ગ સહિત લીમડી ચોક માર્ગ પર અનેકો રખડતા ઢોર રસ્તા વચ્ચે જ દિવસ દરમિયાન જોવા મળતા હોય છે અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જતાં હોય છે તેમ છતાં ભરૂચ નગરપાલિકાનું તંત્ર આખરે ક્યારે આ સમસ્યા સામે જાગૃતિ બતાડશે તેવી બાબત હાલ વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે.
મહત્વની બાબત છે કે રસ્તા વચ્ચે રહેલા આખલાઓ પણ કેટલીકવાર બાખડી પડતા હોય છે જેને કારણે કેટલાય એવા ઉપસ્થિત લોકો હોય છે જેઓના જીવ ટાળવે ચોંટી જતા હોય છે, તો કેટલાક સ્થળે તો વાહનોને પણ નુક્શાની થતી હોય છે, ભૂતકાળમાં પણ રખડતા ઢોરનાં કારણે એક વ્યક્તિ એ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારબાદ પણ સફાળું જાગેલ પાલીકાના તંત્રએ ઢોર પકડવા માટેની કામગીરી શરૂ કરી હતી પરંતુ થોડા દિવસોમાં એ કામગીરી પણ બંધ થઇ ગઇ હતી, ત્યારે આજે પણ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રકારની સમસ્યામાંથી તંત્ર વહેલી તકે વાહન ચાલકો અને રાહદારીઓને મુક્તિ અપાવશે તેવી આશ રાખી લોકો બેઠા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744