ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યા બાદ જાણે કે તંત્રની આબરુના ધજાગરા ઉડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાના રસ્તાઓ પ્રજાના ટેક્સના રૂપિયેથી નેતાઓ અને કોન્ટ્રાક્ટરો કેવી ગુણવત્તાના બનાવે છે તે તમામ બાબતો જિલ્લાના વિવિધ વિસ્તારના નવા નક્કોર બનેલા માર્ગો સહિત અગાઉ બની ગયેલા માર્ગો પરથી આવતા દ્રશ્યો ઉપરથી કહી શકાય છે.
ક્યાંક નવા બનેલા બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે તો ક્યાંક આખે આખા રસ્તા જ ધોવાઈ ગયા હોય તે પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, ત્યારે અહીંયા એ કોન્ટ્રાક્ટરો કે જેમણે આ પ્રકારના રસ્તાઓ બનાવ્યા છે તેઓને શોધી શોધીને બેસ્ટ ખરાબ માર્ગ બનાવવા નામનો ઑસ્કર એવોર્ડ આપી સન્માનિત કરવાની જરૂરી જણાઈ રહી છે, જંબુસર પંથકમાં વરસાદી માહોલ બાદ તો જાણે રસ્તાઓની હાલત બદતર બની ગઇ છે.
બિસ્માર બનેલા રસ્તાની બૂમ પ્રજામાંથી સામે આવતા તંત્ર દ્વારા કામ ચલાઉ કપચી રસ્તા ઉપર પાથરી રસ્તાને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કર્યું હોવાનું પ્રજામાં વિશ્વાસ જગાવવાનું નામ કર્યું હતું પરંતુ કહેવત છે ને કે ખોટું ગમ્મે તેટલુ તમે સંતાડો એક દિવસ તો ઉજાગર થાય છે, વાત કંઇક આમ છે કે તંત્રએ ખાડા પુરવા કપચી તો પાથરી પરંતુ ત્યારબાદ પ્રજાની મુશ્કેલીઓ ઘટવાના બદલે જાણે કે વધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કપચીવાળા રસ્તા પરથી એક બાદ એક વાહનો પસાર તો થવા લાગ્યા પરંતુ આખે આખો રસ્તો જો પાર કરવો હોય તો ગાડીને ધક્કા મારવા માટે તમારે પાંચ વ્યક્તિઓને શોધવા જ પડે કારણ કે તંત્રએ તૈયાર કરેલ આ માર્ગમાં વાહનો ફસાઈ જવાની અનેકો ઘટના આજના દિવસે બની ચુકી છે. વાહનો તો ઠીક દર્દીઓને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરતી ૧૦૮ પણ દર્દી સાથે ફસાઈ જતા લોકો સહિત અંદર રહેલા દર્દીના પણ ધબકારા વધી જાય તે પ્રકારનો માહોલ સર્જાયો હતો, આખરે આસપાસ ઉપસ્થિત ૮ થી ૧૦ જેટલા યુવાનોએ ભેગા મળી આ એમ્બ્યુલન્સને ભારે જહેમત બાદ આ બિસ્માર માર્ગ પરથી બાહર કાઢવાની ફરજ પડી હતી.
વરસાદી માહોલમાં બિસ્માર બનેલા રસ્તાઓની વાત સામાન્ય છે પંરતુ પ્રજાએ હવે જાગૃત થવાની જરૂર છે અને જે પ્રજાના ટેક્સના પૈસે જે નેતા કે કોન્ટ્રાક્ટર તમારા વિસ્તારમાં નવા રસ્તાની કામગીરી કરાવતા હોય ત્યાં તમારે પણ હકથી ઉભા રહી તેની ગુણવત્તા ચકાસી અથવા ખામી હોય તો તેનું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેથી તમારા વિસ્તારમાં આવતા ચોમાસાની ઋતુમાં આ પ્રકારના તકલાદી રસ્તાઓનું નિર્માણ થતા અટકી શકે તેમ છે, અને જો કોઈ કોન્ટ્રાક્ટર કે નેતા સ્થળ પર તમે કરેલા સવાલો બાદ તમને દબાવવાના પ્રયત્નો કરે તો ત્વરિત તમારે ઘટના અંગેની જાણ લાગતા વળગતા ઉચ્ચ અધિકારી અથવા જાગૃત નાગરિક તરીકે પોલીસમાં ફરિયાદ સ્વરૂપે પણ આપી શકો છો તેમજ મિડિયાને પણ મામલાની જાણ કરી જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ચાલતી લાલીયાવાડીને ઉજાગર કરી શકાય તેમ છે.
હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744