આમોદના દરબારગઢ ખાતે મોબાઇલ ચોરીના આરોપમાં પોલીસના સ્વાંગમાં એક યુવાનનું અપહરણ કરાયાની ફરીયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આમોદ શહેરના દરબારગઠ ખાતે રહેતાં ભીખીબેન રાવજી ડાભી ગત 29 મી જૂનના રોજ રાત્રીના સમયે તેઓ તેમજ તેમનો પુત્ર ટીનો તેમજ પૌત્ર રણવીર સુઇ રહ્યાં હતાં. દરમિયાનમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે આછોદ ગામનો ઇમરાન ઇકબાલ પઠાણ તેમજ તેની સાથે બે શખ્સો ઇકો કારમાં તેમના ઘરે આવ્યાં હતાં. જે પૈકી એક શખ્સે પોતાનું નામ મહેશ પરમાર હોવાનું તેમજ તે વેડચ પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે ટીનાને ઉઠાડી તેણે મોબાઇલ ચોરી કરી હોવાનું પરીવારને જણાવી તેમણે ટીનાને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો.
જોકે, ભીખીબેને પણ કારમાં બેસી જતાં ઇમરાન ઇકબાલ પઠાણે તેમને જણાવ્યું હતું કે, માસી તમારા છોકરાને કાંઇ થશે નહીં, સવારે પાછો આવી જશે. જે પરત નહીં આવતાં તેમણે ભીખીબેને વેડચ પોલીસ મથકે તપાસ કરતાં ત્યાં મહેશ પરમાર નામનો કોઇ પોલીસકર્મી કામ જ કરતો ન હોવાનું જણાયું હતું.
ઇમરાનને તે બાબતે પુછપછતાં તેણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ટીનો વેડચ જતાં રસ્તામાં જ ક્યાંક ભાગી ગયો હતો તેઓ તેને શોધે છે. જે બાદ પણ અત્યાર સુધીમાં ટીનાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સમગ્ર ઘટનાક્રમને લઇને તેમના પુત્ર ટીનાનું અપહરણ થયું હોવાનું લાગતાં તેમણે આખરે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હારુન પટેલ : ભરુચ
મો.99252 22744