ભારે વરસાદના પગલે આમોદ તાલુકાનાં ઓચ્છણ, કરેણા, ઇખર, તેલોડ, સુઠોદ્રા વગેરે ગામો બેટમા ફેરવાયા છે. ગુજરાત કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા આજરોજ આ ગામોની જાત મુલાકાત લઈ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. સાથે સાથે સંદીપ માંગરોલાએ આ બાબતે એક દિવસ પહેલા જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવ્યો હતો અને આમોદનાં ગામોમાં અતિવૃષ્ટિમાં કૃત્રિમ આફતથી વધુ નુકસાન થયાનું જણાવ્યુ હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે ઉપરોકત ગામો નજીકથી એકસપ્રેસ હાઇવે, બુલેટ ટ્રેન અને દિલ્હી-મુંબઈ ફ્રેઈટ કોરિડોરના કામો ચાલી રહ્યા છે. જે તમામ યોજનાઓના કોન્ટ્રાકટરોના પાપે આ પરિસ્થિતી સર્જાઈ છે. કોન્ટ્રાકટરો દ્વારા માટીપુરાણ કરી વેલમ નદીમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતા નદી ઓવરફલો થઈ છે જેના કારણે નદીની ક્ષમતા કરતાં વધારાનું પાણી આવી જતાં કાંઠાના ઉપરોકત ગામોમાં નદીના પાણી ભરાતા કૃત્રિમ આફતથી ગામો સંપર્ક વિહોણા બનવા પામ્યા છે તેમજ ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
ઉપરોકત ગામોમાં સંબંધિત વહીવટીતંત્રને તાત્કાલિક સૂચના આપી જીવન જરૂરિયાતની વસ્તુઓ, રસ્તાની સાફ-સફાઈ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સદર પરિયોજનાઓના કોન્ટ્રાકટરોને આ અંગે તાકીદ કરી નિયમોનુસાર તેઓ વિરુદ્ધ પગલાં ભરવા આવેદનપત્રમાં જણાવ્યુ હતું.
સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા ગયેલા સંદીપ માંગરોલા સાથે આમોદ તાલુકાનાં ઓચ્છણ, કરેણા, ઇખર, તેલોડ, સુઠોદ્રાના આગેવાનો ઉપસ્થિત રહી પરિસ્થિતીથી તેઓને વાકેફ કર્યા હતા. તેઓની સાથે ભુપેન્દ્ર દાયમા, ઉસ્માન મીંડી, મહેશભાઇ પટેલ, મોહસીનભાઈ, તાજુદ્દીનભાઈ વગેરે કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.