ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મુશળધાર વરસાદી માહોલ જામ્યો હતો, વરસાદી માહોલના પગલે ઠેરઠેર જળ બંબાકાળની સ્થિતિનું સર્જન થયું હતું, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની ઘટના બાદ અનેક લોકોએ સલામત સ્થળે સ્વૈચ્છિક ખસી જવાની નોબત આવી હતી. ભરૂચ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોઈએ તો અંકલેશ્વર 4 ઇંચ, આમોદ 1.5 ઇંચ, જંબુસર 1.5 ઇંચ, ઝઘડિયા 4 ઇંચ, નેત્રંગ 2.5 ઇંચ, ભરૂચ 5 ઇંચ, વાગરા 8.5 ઇંચ, વાલિયા 3.5 ઇંચ, હાંસોટ 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચ શહેરમાં વરસાદી માહોલ ભારે તારાજીના દ્રશ્યો સર્જ્યા હતા જેમાં ભરૂચ શહેરમાં અનેક સ્થળે વૃક્ષ પડવાની અનેક મકાન ધરાસાઈ અને સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં વાત કરીએ તો પ્રથમ ઘટના શહેરના નીલકંઠ નગર મંદિર નજીક બની હતી જ્યાં વૃક્ષ ધરાસાઈ થયું હતું તો બીજી ઘટના ફલશ્રુતિ નગર વિસ્તારમાં બની હતી જ્યાં એક વૃક્ષ ધરાસાઈ થતા બે બાઇક અને રીક્ષાને નુકસાન થયું હતું તો મકાન ધરાસાઈ થવાની પણ અનેક ઘટનાઓ સામે આવી હતી. શહેરના દાંડીયા બજાર વિસ્તારમાં મકાન ધરાસાઈ થવાની ઘટનામાં બે લોકો દટાઇ જતા બંને વ્યક્તિ ઓને ફાયરના લાશકરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથધરી બાહર કાઢ્યા હતા તો બીજી તરફ અયોધ્યાનગર વિસ્તારમાં પણ એક મકાનનો કેટલોક સ્લેબ પડતા એક સમયે નાસભાગ મચી હતી તેમજ આજે સવારે ભરૂચની જૂની કોર્ટ નજીક એક મકાન ધરાસાઈ થવાની ઘટના સામે આવી હતી જેમાં પણ સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો લીધો હતો.
ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક નોંધાઈ હતી. જ્યાં ગત રોજ ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી ૧૯ ફૂટે પહોંચી જતા વૉર્નિંગ લેવલ નજીક સપાટી આવતા પુરનો ભય લોકોમાં સટાવી રહ્યો હતો. જોકે આજે સવારે નર્મદા નદીમાં જળ સ્તર ઘટીને ૧૫ ફૂટની નીચે જતા કાંઠા વિસ્તારના લોકોએ રહાતનો શ્વાસ લીધો હતો તો નર્મદા નદીમાં જળની માત્રા વધવાના કારણે નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે જે બાદ વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યાં ૯ ઇંચ જેટલો વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભોજન બનાવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઇ હતી જોકે સામાજીક સંગઠન એકતા એકજ લક્ષ્યના સભ્યો જે થતા તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઇ મોડી રાત્રી સુધી લોકોને ભોજન વ્યવસ્થા પુરી પાડી હતી. આમ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં વરસેલા વરસાદે આજે ખમૈયા કરતા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારનું ઠપ પડેલું જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું, જોકે હજુ પણ કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ન ઓસરતા રસ્તાઓ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે, ભરૂચના પરીયેજ ગામથી ભરૂચ આવતા રસ્તા પર પાણી ફરી વળતા છેલ્લા ૧૨ કલાકથી રસ્તો બંધ હાલતમાં જોવા મળ્યો હતો.
હારુન પટેલ : ભરુચ