હાલ રાજ્ય ભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ભારે વરસાદના પગલે કેટલાય શહેરોના માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે, ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તો શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલના પગલે ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે.
ભુતકાળની જેમ આ ચોમાસાની ઋતુમાં પણ ભરૂચના ફાટાતળાવથી ફુરજા ચાર રસ્તા સુધીના માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, ભૂતકાળમાં આ વિસ્તારોમાં ખુલ્લી ગટરોના કારણે રાહદારીઓ ગટરોમાં ઉતરી જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી તેમ છતાં પાલીકાના તંત્રએ બોધ પાઠ ન લઇ આ વર્ષે પણ એ સમસ્યાને ઠેરની ઠેર જ મૂકી રાખતા વધુ એક વાર ગટરોમાં ગાડીઓ અને વ્યક્તિઓ ખાબકવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ભરૂચના ફાટાતળાવ વિસ્તારને જોડતા માર્ગ ઉપર આજે સવારે એક મોપેડ સવાર માર્ગ પર પાણી ભરાવવાના કારણે ખુલ્લી ગટર જોઈ શક્યો ન હતો અને આખરે આખે આખી મોપેડ સાથે ગટરમાં ઉતરી જતા એક સમયે ઉપસ્થિત લોકોએ બુમાબૂમ કરી મૂકી હતી. બાદમાં મોપેડ સવાર યુવાનને મદદ કરી તેને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો, જે બાદ આ પ્રકારની ખૂલ્લી ગટરો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ