ભરૂચ શહેર જિલ્લામાં એક તરફ વરસાદી માહોલ જામી ગયો છે. જેના પગલે ગતરોજ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા હતા પરંતુ વાતાવરણમાં એકાએક પલટો આવતા મોડી રાતથી જ મેઘો મુશળધાર વરસ્યો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. આમ તો હવામાન ખાતાની આગાહી હતી કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જીલ્લામાં મેધરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશહાલ જોવા મળી રહ્યા છે. મેધરાજાએ તેની ગતિ મર્યાદા વધારતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને લોકોને બફારાથી રાહત મળી છે. ચાર-પાંચ દિવસ કે એક અઠવાડીયા સુધી સતત વરસાદ વરસે તો ખેતીલાયક વરસાદ વરસ્યો કહી શકાય.
ભરૂચ શહેરમાં વરસતા વરસાદના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ હતી. ભરૂચના ફાટાતળાવ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી, કસક ગરનાળા, ગાંધીબજાર જેવા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું તેમજ પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ છટી થવા પામી હતી. સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે તો વધુ વરસાદ પડશે ત્યારે ભરૂચની શું હાલત થશે તેનું અનુમાન લગાવી શકાય એમ નથી.
ભરૂચ જીલ્લામાં આજરોજ સવારે 6 કલાક સુધી વરસેલ વરસાદના આંકડા જોતાં હાંસોટ તાલુકામાં 12 મી.મી., ભરૂચ તાલુકામાં 9 મી.મી., વાલિયા તાલુકામાં 4 મી.મી., નેત્રંગ તાલુકામાં 4 મી.મી., આમોદ તાલુકામાં હાલ વરસાદ પડયો નથી, વાગરા તાલુકામાં 3 મી.મી., ઝઘડિયા તાલુકામાં 2 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 2 મી.મી., જંબુસર તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ભરૂચમાં વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
Advertisement