ભરૂચ શહેરમાં દારૂ જુગારની ડ્રાઈવ પછી ટ્રાફિક નિયમન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લારી/પથારા કરી નાના ધંધો કરી પેટિયું રડતાં શ્રમજીવી પર ભરૂચ જિલ્લા પોલીસ વહીવટી તંત્ર IPC-283 હેઠળ કામ ચલાવવાના આદેશને પગલે નાના ફેરિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવનિયુકત પોલીસ વડા ડૉ.લીના પાટીલ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્રને સજાગ થઈ કામગીરીના આદેશ આપવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. ભરૂચ જીલ્લામાં દારૂ/જુગારની ડ્રાઈવ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરતાં તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. હાલમાં ભરૂચમાં ટ્રાફિક નિયમન કામગીરી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. ટ્રાફિકને અડચણરૂપ જાહેર રસ્તા પર લારી-ગલ્લા ગોઠવી ધંધો કરતાં ઇસમો ઉપર IPC-કલમ 283 હેઠળ એફ.આઇ.આર કરતાં સન્નાટો ફેલાય જવા પામ્યો છે. ભરૂચ શહેરમાં જ નહીં સમગ્ર ભરૂચ જીલ્લામાં આ રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાહોશ અને નિષ્ઠાવાન એસ.પી દ્વારા કરાતી કામગીરીની પ્રશંસા થઈ રહી છે તો બીજી બાજુ બેરોજગાર બનેલા નાના ધંધાર્થી વિમાસનમાં પડી ગયા છે કે હવે કરવું શું…?