ભરૂચમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ દહેજ ખાતેથી ચાર બોગસ ડોકટરોને ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ પોલીસને બાતમીદારથી બાતમી મળેલ જે આધારે સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોકટરોને દહેજ મરીન વિસ્તારમાંથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેકશન વગેરે મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે મળી આવતા ચારેય જોલાછાપ ડોકટરો જેમાં (1) બિશ્વજીત ત્રિનાથ બિસ્વાસ (2) ઉત્તમ સુશાંતા મોંડળ (3) શંકર સ્વપન દેબનાથ (4) મધુમંગળ જયદેવ બિશ્વાસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દહેજ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખીનીય બાબત એ છે કે દહેજ ઔધોગિક વસાહતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોકટરોનો રાફડો ફાટેલ છે અને તેઓ જોલાછાપ ડોકટરો મોટાભાગે પશ્ચિમ બંગાળના જોવા મળે છે. જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતાં મેડિકલ ડિગ્રી વગરના તેમજ ગુજરાત રાજ્યમાં કોઈપણ કાઉન્સીલમાં મેડિકલ રજીસ્ટ્રેશન કર્યા વિના તેમજ મેડિકલની પરવાનગી લીધા વિના પેક્ટિસ કરતાં જોલાછાપ ડોકટરોને એસ.ઓ.જી પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.