આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં ઠેરઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ચાર સ્થળેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં અતિ પૌરાણીક ગણાતી ફુરજા ખાતેની રથયાત્રામાં ભાજપ કોંગ્રેસના આગેવાનોએ ભક્તિમય વાતાવરણમાં રથને પ્રસ્થાન કરાવ્યુ હતું સાથે પોલીસ વિભાગ દ્વારા પણ યાત્રાના રૂટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંકલેશ્વર ખાતેથી પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણ વચ્ચે પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યાના જોડાયા હતા સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભરુચના આશ્રય સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિમય વાતાવરણમાં ભકતો એ રથને પ્રસ્થાન કરાવી આશ્રય સોસાયટીથી નીકળેલ રથયાત્રા મધુલી સર્કલ, શ્રવણ ચોકડી, લિંક રોડ, શક્તિનાથ થઇ પરત જગન્નાથ મંદિર ખાતે પહોંચી હતી જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ યાત્રામાં ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો.
સાથે જ ભરૂચ ઇસ્કોન સમિતિ દ્વારા પણ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન સમિતિ દ્વારા યોજાયેલ રથયાત્રામાં બાળકોએ વિવિધ દેવી દેવતાઓના વસ્ત્ર ધારણ કર્યા હતા સાથે જ ભજન સત્સંગ તેમજ હરે રામા, હરે કૃષ્ણના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બળદ ગાડામાં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શીતલ સર્કલથી ઝાડેશ્વર ગામ સ્થિત કેજીએમ સ્ફુલ ખાતે પહોંચી હતી.
આમ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી જેમાં ઠેરઠેર યાત્રાનું ભક્તો દ્વારા સ્વાગત કરી રથને ભક્તિભાવ પૂર્વક પ્રસ્થાન કરાવતા આજે દીવસ દરમિયાન શહેરના વિવિધ સ્થાને જોવા મળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
હારુન પટેલ : ભરૂચ
ભરૂચ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભક્તિભાવ પૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા..!!
Advertisement