ભરૂચમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા જતાં નર્મદા કોલેજ પાસે આવેલ આર.કે કાઉન્ટી અને શ્રીજી સદન વિલા સોસાયટીઓના મુખ્ય માર્ગો પર માટી બેસી જતા વાહનો ફસાયા હતા. આમ અનેક વાહનો ફસાતા સોસાયટીઓના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બિલ્ડરો દ્વારા બેફામ ખોદકામના કારણે આવા બનાવો છાસવારે બને છે. જેમાં મુખ્ય ભૂમિકા પ્રશાસનની છે. બિલ્ડરો દ્વારા પ્રશાસન કે ગામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના થતાં આવા કામોમાં આખરે પ્રજાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણવા મળ્યા મુજબ
હાલ બિલ્ડરો દ્વારા મુખ્ય રોડની બાજુમાંથી જ વરસાદી પાણીના નિકાલ માટે અને ગટર વ્યવસ્થાના કામે 10 થી 12 ફૂટ ખાડો ખોદી નાંખતા વરસાદી મોસમમાં આસપાસના ગ્રામજનો, સોસાયટીના રહીશો, શાળા કોલેજોના વિધાર્થીઓ સહિતના માથે જોખમ ઉભું થયું છે અને આજે અનેક વાહન ચાલકો અટવાયા હતા.
આ બિલ્ડરોએ ગટર અને કાંસ માટે પંચાયત કે પ્રશાસનની પણ પરવાનગી નહીં લીધી હોવાના આક્ષેપો થયા છે. દરમિયાન સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા આડેધડ પરવાનગી વગર થઈ રહેલા ખોદકામ અંગે બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે. કોઈ મોટી ઘટના ન ઘટે તે માટે બિલ્ડરો સામે તંત્ર બાયો ચઢાવે તેવી ગ્રામ પંચાયત અને ગ્રામજનોની માંગણી છે.