દરેક માં-બાપ પોતાના બાળકને અઢળક પ્રેમ કરતા હોય છે. બાળકની તમામ ઇચ્છાઓને ધ્યાનમાં લઈ તેની જરૂરિયાત પૂરી કરતાં હોય છે. આજના મોબાઈલ અને સોશિયલ મીડિયા યુગમાં યુવાન ભટકી ગયો છે તો કેટલાક યુવાનો નશીલા પદાર્થોનું સેવન કરતાં થઈ ગયા છે. મોબાઈલ ઉપર બિનજરૂરી વિડીયો જોઈ તેમજ ગેમ રમી પોતાના સુવર્ણ કાળને નષ્ટ કરી રહ્યો છે. દરેક માં-બાપને ઘણી બધી આકાંક્ષાઓ પોતાના બાળક ઉપર હોય છે. લાડકોડના કારણે જ બાળક ભટકી જતું હોય છે. પોતાનું બાળક કોની સાથે ફરે છે ? કોણ એના મિત્રો છે ? શું કરે છે ? તે જોવાની ફરજ માં-બાપની છે. ખરાબ સંગતના મિત્રો સાથે સમય નથી વિતાવતોને ? તે જોવાની ફરજ પણ માં-બાપની છે. મોબાઈલ ઉપર અલગ-અલગ પ્રકારની ગેમ્સ, સોશિયલ મીડિયા ઉપર અજાણી વ્યક્તિઓ સાથેનું ચેટિંગ ગંભીર પરિણામો લાવી શકે છે. કેટલાક યુવાનો મોંઘા નશીલા પદાર્થોનું સેવન કરતાં પૈસાની અછતના કારણે પછી ચોરીઓના રવાડે ચઢી જતાં હોય છે અને તેનું પરિણામ માં-બાપને પોતાના બાળકની તમામ હરકત ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરે તો ઘરની સાથે સમાજ અને દેશને સારો નાગરિક નહીં આપી શકે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.
બાળકની ઉજ્જવળ કારકિર્દીના સપના જોતાં મા-બાપના સપનાઓ રોળાઈ જતા હોય છે.એક નાની ભૂલના ગંભીર પરિણામો વિશે મા બાપ અજાણ હોય છે. પોતાનાને પ્યાર આપો પણ અમુક બાબતો પર અંકુશ રાખો, વધુ પડતા લાડકોડના કારણે બાળક ઉપર તેની વિપરિત અસરો પડતી હોય છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે જેને નજર સમક્ષ રાખી તેની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાઓ. પિતાના પગરખામાં જ્યારે પોતાનો યુવાન દીકરો પગ નાખતો હોય તો માતા તેને પિતાનું પ્રતિબિંબ સમજે છે અને દીકરો જુવાન થઇ ગયો છે તેનું અભિમાન કરવા લાગે છે. જુવાન દીકરો પિતાનો બીજો મિત્ર હોવો જોઈએ અને તેની જિજ્ઞાસા, ઇચ્છાઓને શરમ વગર એકબીજાની સાથે શેર કરતો હોય તો બાળકના ભાવિ જોખમ પણ ટાળી શકાય છે.
અનવર મન્સૂરી