સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસથી શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે. નાના ભૂલકાઓને ઉત્સાહભર્યા વાતાવરણમાં શાળાઓમાં પ્રવેશ અપાઈ રહ્યા છે. વાગરાના કેશવાણ તથા ગંધાર ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રથમ વખત શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને આવકાર્યા હતા.
રાજ્યભરમાં બાળકોના શિક્ષણમાં ઉત્સાહ સાથે નામાંકન થાય, કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વર્ષ 2003 માં તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. ત્યારથી પ્રતિ વર્ષ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવે છે. 23 જૂનથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો હતો. 25 જૂને ત્રીજા દિવસે વાગરાના કેશવાણ અને ગંધાર ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
ધારાસભ્ય અરુણસિંહ રણાએ દફતર અને શિક્ષણની કીટ અર્પણ કરી આંગણવાડી અને ધોરણ પહેલામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને આવકાર્યા હતા. ધોરણ ૩ થી ૮ ના પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કર્યા હતા. શાળામાં શિક્ષણ માટે દાન આપનાર દાતાઓને પણ સન્માનિત કર્યા હતા.
આ અવસરે ધારાસભ્ય અરુણસિંહ રણાએ વાલીઓને તેમના દીકરા દીકરીઓને શિક્ષણ અપાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે દીકરીઓ ડોકટર બને છે, એન્જીનીયર બને છે, સારા હોદ્દાઓ પર છે, તેની પાછળ આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ હતો. તેમને દિકરાઓના શિક્ષણની ચિંતા કરી હતી. તેના કારણે આજે સો ટકા નામાંકન થયા છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આપણે સૌએ સાથે મળી આપણા દીકરા દીકરીઓને સુખે દુખે પણ ભણાવવા પડશે.