ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૧૦ ખાતેના ઘાસમંડાઈ ત્રણ દરગાહથી કતોપોર બજારને જોડતા માર્ગ ઉપર ઉભરાતી ગટરોનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોએ રસ્તા પરથી પસાર થવું અને ત્યાં વસવાટ કરવું પણ મુશ્કેલી સમાન બન્યું છે, સ્થાનિક વેપારીઓનું જણાવવું છે કે અવારનવાર આ વિસ્તારમાં ગટરો ઉભરાય છે જેના પગલે તેઓના ધંધા રોજગાર ઉપર પણ અસર વર્તાઈ રહી છે.
ભરૂચ નગરપાલિકામાં મામલે રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાલિકાના કર્મીઓ આ વિસ્તારમાં આવ્યા નથી જેને લઇ ઉભરાતી ગટરોની સ્થિતિ દિન પ્રતિદિન બદતર બની રહી છે, આ વિસ્તારમાં અનેક પવિત્ર ધાર્મિક સ્થાન આવ્યા છે અને ગટરો ઉભરાઈ રહી છે જેને પગલે આ સ્થાનો પર પહોંચતા લોકોમાં પણ પાલિકા પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.
હાલ તો સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારોમાં ઉભરાતી ગટરોમાંથી કાયમીપણે પાલીકાનું તંત્ર ધ્યાન આપી દૂર કરે તેવી આશ લગાવી બેઠા છે, જોકે હાલમાં પણ આ વિસ્તારોમાં વગર વરસાદે જ માર્ગ પર જળના પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે પાલિકાનું તંત્ર વહેલી તકે આ વિસ્તારના લોકોની સમસ્યાઓનું અંત લાવે તે અત્યંત જરૂરી જણાઈ આવે છે.
હારુન પટેલ : ભરૂચ