નર્મદા નદીના તટે વસેલા ભરૂચ જિલ્લાના અનેક એવા અંતરિયાળ ગામડાઓ છે જ્યાં આજે પણ પૂરતા પ્રમાણમાં જળ મળતું નથી. ખાસ કરીને ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના તેમજ નર્મદા અને ભરૂચ જિલ્લાના વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોના લોકો અને ધરતી પુત્રો તેઓની નજીકમાં આવેલા ડેમો ઉપર જળ માટે નિર્ભર હોય છે, જોકે રાજ્યમાં વિવિધ જિલ્લામાં ચોમાસાએ હાલના દસ્તક દઈ દીધી છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદનું આગમન ન થતા સ્થાનિકો તેમજ ધરતી પુત્રોના માથે ચિંતાનાં વાદળો ઘેરાયા છે.
ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ધોલી, પિંગુટ અને બલદવા ડેમમાં જળ સ્તરની સ્થિતિ ચિંતાજનક રીતે નીચે ઉતરી છે, ઉનાળા બાદ ડેમમાં જળ ઘટી ગયા છે અને હવે નવા જળ માટે આ વિસ્તારમાં ભરપૂર વરસાદની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે, ત્રણેય ડેમમાં જોઈએ તેટલા પ્રમાણમાં હાલ પાણી નથી જેને પગલે ડેમ પર નિર્ભર રહેતા ધરતી પુત્રો અને સ્થાનિકોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે, લોકોનું માનવું છે કે જો પૂરતા પ્રમાણમાં આ વિસ્તારોમાં વરસાદ ન વરસ્યો તો આગામી દિવસોમા જળની કટોતી સર્જાઈ શકે છે, જેથી હાલ તો અહીંયા વસતા લોકો ભરપૂર વરસાદ વરસે તે માટે પ્રાર્થનાઓમાં લાગી ગયા છે.
હારુન પટેલ : ભરૂચ