ભરૂચની જે.પી. કૉલેજના પ્રોફેસર ડૉ. મીનલ દવે જૂન ૨૦૨૨ મા સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો અને ભરૂચની વિવિધ સંસ્થાઓ દ્વારા મીનલ દવેની અત્યાર સુધીની કામગીરીને બિરદાવવા માટે ‘શિક્ષકોના પ્રિય શિષ્ય અને શિષ્યોના પ્રિય શિક્ષક’ શીર્ષક હેઠળ સરપ્રાઈઝ શુભેચ્છા સમારંભનું આયોજન ભરૂચની કે. જી. એમ. હાઇસ્કૂલ, ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. ડૉ.શિરીષ પંચાલ, ડૉ.ભાસ્કર રાવલ, ડૉ.શરીફા વીજળીવાળા તથા સાહિત્ય જગતની વિવિધ હસ્તીઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપતી વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા કાર્યકરો વિશેષ હાજર રહ્યા હતા.
ડૉ.મીનલ દવેએ સાહિત્ય ક્ષેત્રે ત્રણ પુસ્તકોનું પ્રદાન કર્યું છે, જેની વિશેષ નોંધ લેવામાં આવી. સાથે છેલ્લા 40 વર્ષથી ભરૂચની સાહિત્યપ્રેમી જનતામાં સદૈવ પ્રિય વક્તા તરીકે આદરભર્યું સ્થાન પામ્યા છે. વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાઓના જીવન ઉત્કર્ષમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. સાથે મહિલાઓના વિકાસ માટે સેવા રૂરલ જેવી સંસ્થાઓમાં પણ હાલ સેવા આપી રહ્યા છો. આપએ હજારોની સંખ્યામાં વ્યાખ્યાન આપીને ભરૂચમાં યુવાઓના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે સાચા અર્થમાં સેવાકાર્ય કરી અનુકરણીય જીવન જીવી રહ્યા છે. એમિટી શાળાના સંચાલક રણછોડ શાહ દ્વારા તેમને “ભરૂચના આભૂષણ” તરીકે નવાજવામાં આવ્યા હતા. સાહિત્યકાર સમીર ભટ્ટ દ્વારા મીનલ દવે નિવૃત્ત નથી થઈ રહ્યા, પરંતુ તેમની પ્રવૃત્તિનું સ્થળાંતર થઈ રહ્યું છે, એમ જણાવ્યું હતું. હજુ વધુને વધુ સાહિત્ય ક્ષેત્રે તથા સેવાના ક્ષેત્રે સમય આપીને રાષ્ટ્રનિર્માણના આ કાર્યમાં આગળ વધતા રહો તેવી શુભેચ્છાઓ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાઠવવામાં આવી હતી. કુલદીપ દ્વારા મીનલ દવેની વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
ડૉ.મીનલ દવે સરપ્રાઈઝ સન્માન સમારંભ જોઈ અચંબામાં મુકાયા હતા. વિદ્યાર્થીઓ, સાથી મિત્રો અને સંસ્થાઓનો તેમના તરફનો આદર સત્કાર જોઈને આભારની લાગણી વ્યકત કરી સાલ, શ્રીફળ અને સન્માનપત્ર સ્વીકાર્યું હતું.
આ આયોજન વર્ષો જૂના વિદ્યાર્થીઓ, મિત્રો તથા કે. જી. એમ. હાઇસ્કૂલ ઝાડેશ્વર, સેવા રૂરલ ઝઘડિયા, શારદા મહિલા વિકાસ સોસાયટી, ભરૂચ જિલ્લા સર્વોદય મંડળ, ચેનલ નર્મદા, શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા દ્વારા કરવામાં આવ્યું હતું.
તૌસીફ કિકા : વલણ-કરજણ