ભરૂચમાં સક્રિય પત્રકાર સંઘને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દી મહોત્સવ નિમિત્તે અને વિશ્વ પર્યાવરણ દિનના પૂર્વ દિન નિમિત્તે પાંજરાપોળ અને વન વિભાગના સહયોગથી ગૌ પૂજન તેમજ વૃક્ષ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સ્થાપનાના ૧૦ વર્ષ પૂર્ણ કરતા દશાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવનાર છે.જેના શુભારંભે વિશ્વ પર્યાવરણ દિનના પૂર્વ દિને ભરૂચ પાંજરાપોળ ખાતે વનવિભાગના સહકારથી ગૌપૂજનની સાથે સૌ પ્રથમ વખત વૃક્ષપૂજન અને વૃક્ષારોપણના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ગૌપૂજક કૌશિક મહારાજના મંત્રોચ્ચાર સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યોએ છોડમાં રણછોડની પ્રતીતિ સાથે શ્રદ્ધાભેર વૃક્ષ પૂજન કર્યું હતું. સાથે સાથે ગૌપૂજન પણ કર્યું હતું. આ વિશેષ પૂજન કાર્યક્રમ બાદ વૃક્ષોના ઉછેર અને સંવર્ધનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપ્યો હતો.
આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો,પાંજરાપોળના ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા, વન વિભાગના વનપાલ હેમંત યાદવ તેમજ અન્ય સ્ટાફ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.
Advertisement