નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરૂચ જિલ્લામાં જ્યારે પણ નેશનલ હાઇવેનું કામ થયું ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના અવરજવરના માર્ગ અપનાવવામાં આવ્યો હોવાની ફરિયાદ લોકોના મનમાં ઉઠી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતી ચેરમેન દ્વારા ફરી એકવાર આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ ને રજૂઆત કરાઇ છે.
ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ ઝાડેશ્વર ના પૂર્વ સરપંચ નરેશ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને તાજેતરમાં જ રજૂઆત કરાઈ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ છે. ભરૂચ જિલ્લાના હલદરવા-કવિઠા અને ઓસારા ગામથી લઇ અંગારેશ્વર સુધી કામદારો દ્વિચક્રી વાહનો ઉપર અવરજવર કરે છે. આ તમામ કામદારો દ્વિચક્રી વાહનો ઉપર અવરજવર કરે છે અને તેમણે ન્યાયમંદિર હોટલ પટેલ ની વાડી હોટલ જેવા વિસ્તારોમાં રોંગ સાઈડ પર વાહનો હંકારી ને જવું પડે છે જેમાં અત્યાર સુધીમાં અકસ્માતો સર્જાયા છે અને અનેક ના મોત પણ નિપજ્યા છે. ખાસ કરીને વડોદરા થી સુરત હાઈવે નો ટ્રાફિક વધુ હોય છે અને ઝડપી હોય છે જેને લઇને વડદલા ગામના ક્રોસિંગ પાસે સૌથી વધુ અકસ્માતો સર્જાયા છે. તેમની સાથે આ રજૂઆતમાં ભરૂચ શહેરના પૂર્વ પ્રમુખ વિજય કોન્ટ્રાક્ટર, ભરૂચ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ દિવ્યેશ પટૅલ તેમજ ભરૂચ તાલુકા મહામંત્રી જ્યોતીન્દ્ર પટેલ સહિતના અન્ય આગેવાનો પણ જોડાયા હતા.
વધુમાં નરેશ પટેલે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ન્યાયમંદિર હોટલ થઈ શ્રીનાથજી ટાવરથી સરકારી રસ્તો આવેલો છે. જે સ્વામિનારાયણ મંદિરથી નીકળી સીધો હલદરવા ગામને મળે છે. જો એને સુરક્ષિત બનાવી શકાય તો 20 ગામના લોકોને આ રસ્તાનો ફાયદો મળી શકે છે.
નોંધનીય છે કે ઓસારા ગામે મહાકાળી માતાનું મંદિર છે. જેના દર્શને પ્રતિ મંગળવારે હજારો માઁઇભકતો આવે છે. એમને પણ આ રસ્તો સીધો પડે છે અને સુરક્ષિત પણ છે. જિલ્લા સમાહર્તા આ બાબતે ધ્યાન આપે એ ઇચ્છનીય છે.