( નોંધ :- પંચાત કરવાની અમારી આદત છે ને વાત અમારા ગામની છે, છતાંય પાઘડી માથે બેસતી હોય તો પહેરી લેવી…)
લાંબી સફર ખેડીને આવ્યા બાદ એક સુંદર મઝાનું ક્રુઝ જેવું જહાજ અમારા દરિયાખેડૂઓથી ઉભરાતા ગામના દરિયા કિનારે લાંગરેલું હતું. (આજે પણ છે!!..).એક સમયે લોકો તેને જોતા ને હરખાતા. ઘરડાઓ તેના સાહસ અને કૌશલ્યના ખુબ વખાણ કરતા. એ જહાજથી ગામને અઢળક લાભ મળતો. એ જહાજને ઇષ્ટદેવની જેમ નમન પણ કરતા. કિનારે ઉભેલા એ જહાજને આજના જુવાનિયાઓ અંદર જઈને જોઈ આવ્યા, તો કેટલાકે નજીક જઈને સેલ્ફી’ય લીધી.લાંબી સફરનો થાક ઉતારતું હશે એમ માની લેવાયુ હતું.
પરંતુ બાર મહિનાથી એક જ જગ્યાએ તેને ઉભું રહેલું જોઈને હવે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ જહાજ કેમ દરિયાઈ સફરે જતું નથી??. અહીં ઉભું ઉભું તો કટાઈ જશે!!. તપાસ કરી તો ખબર પડી કે જહાજના માલિક આકસ્મિક ખુદાની ખિદમતમાં પહોંચી જવાથી આ જહાજના મેનેજમેન્ટની જવાબદારી તેમના સંતાનો ઉપર આવી પડી છે,જેમને જહાજ અંગેનો કોઈ અનુભવ નથી. સંતાનો અસમંજસમાં છે કે હવે આ જહાજનું શું કરવું?? રાખવું કે ઠપકારી દેવું???
અમારે ત્યાં રિવાજ છે કે મફતમાં સલાહ આપવાની એક પણ તક ચૂકવી નહીં!!.. આથી ગામવાળાઓએ જ જહાજના મુદ્દે ચોતરે મીટીંગ બોલાવી અને સંતાનોએ શું કરવું જોઈએ તેની યાદી બનાવી નાખી.
1) જુનો સ્ટાફ બદલી નાખીને ગામના અનુભવી સાગરખેડૂઓને સાથે રાખીને સંતાનોએ જહાજ પર બેસી જવું અને લાંબી સફરે નીકળી જવું. પછી, પડશે એવી દેવાશે. (સાહસ વિના સિદ્ધિ નહિ!!!). ( માલિકે ખર્ચા તરફ જોવું નહીં..!! ).
2) માલિકોને સાથે જતા ડૂબવાનો ડર લાગતો હોય તો તેમણે કિનારે બેસવું અને નિભાવણી ખર્ચ સાથે જહાજ અમને ગામવાળાઓ પૈકી કોઈને ચલાવવા આપવું.(સાધન વપરાતું રહેશે તો સડો નહીં લાગે..!!).
3) જહાજને વેચી દેવું. પરંતુ વેચતા પહેલા ખર્ચા-પાણી આપવા. અને હા, જહાજ નું નામ બદલવું, જેથી ગામની બદનામી ન થાય. આવેલા નાણાંથી દાન- ધર્મ કરવા. ઠેર ઠેર સ્કૂલો અને હોસ્પિટલો બાંધવી.
4) ડર નીકળી જાય ને દરિયાઈ તોફાનો સાથે ઝઝૂમતા આવડી જાય, તેવું શીખવું હોય તો નાનકડા હોડકામાં, સીટ બેલ્ટ સાથે,નજીવા દરે, સંતાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. શરત એટલી કે ખાબોચિયામાં પછડાય તો, ઓ બાપ’રે….ની બૂમો પાડવી નહીં ને શીખીને ઉડી જવું નહીં!!!.
5) ગામના એક રિટાયર ફોજીની સલાહ હતી કે જહાજ પર તોપ ગોઠવવી, જેનું નાળચું ચારે દિશામાં ફરી શકે!!!. એવી તોપવાળા જહાજની ખૂબ ડિમાન્ડ રહેશે. ( શરત એટલી કે તોપ ફૂટે તેવી રાખવી. ભૂલથી ગોળો ગામ તરફ ફૂટે તો પહેલેથી લાયબંબાની વ્યવસ્થા રાખવી..!!)
હવે પેલા સંતાનો વધુ ગૂંચવાયા છે. આવડું મોટું જહાજ ગળે ઘંટ ની જેમ જાણે ભેરવાઈ ગયું છે!!.. વણમાગી સલાહ ની વણઝાર છે. સાચો હિતેચ્છુ કોણ એ કળી શકાતું નથી. ગામવાળા જ ડુબાડી દે તેવો છુપો ભય છે. આંખ બંધ કરીને કૂદી પડો ફતેહ છે આગે…. એવુ માનીને કૂદવાની હિંમત નથી. કાળજુ કઠણ નથી.પિતા જેવું સિંહનું કલેજું નથી.
આ જહાજનું શું થશે? પડ્યું પડ્યું કટાઇ જશે, ડૂબી જશે, વેચાય જશે કે કોઈ રસ્તો શોધી ને પુનઃ દરિયો ખૂંદસે??…. આનો જવાબ મેળવવા ભંગારીયા તો ટાંપીને બેઠા જ છે, પણ આજુબાજુના ગામવાળા પણ દર પંદર દિવસે ગામની લટાર મારી જાય છે.
( પછી શું થયું, એ તમને પણ કહીશું. હાલ, આટલુ જ…. બસ. )