ગુજરાત સરકાર દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રીજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. આ નર્મદામૈયા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો જેવાં કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતોમાં ખુબ જ વધારો થવા પામ્યો છે.
ભરૂચ જીલ્લાના સામાન્ય નાગરીકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા સદર બાબતે ફરીયાદ કરી રહયા છે. નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફથી અવર-જવર કરતાં ભારે વાહનો લકઝરી બસો, ટ્રકો જેવા મોટા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી, આ ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરના કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના છે. જેથી, નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા મૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.
જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તુષાર ડી. સુમેરાએ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૨૬/૦૫/૨૦૨૨ થી તા.૦૯/૦૬/૨૦૨૨ સુધી દિન-૧૫ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવાં કે ખાનગી બસ તથા એસ.ટી બસ, તમામ પ્રકારના ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની (ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર કાર સિવાયના તમામ વાહનો)ની અવર-જવર પર પ્રતિબંધ મુકવા હુકમ કરેલ છે વધુમાં, સદરહું જાહેરનામામાંથી આપતકાલીન સેવા માટેના વાહનો જેવાં કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડના વાહનોને મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમને ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.