ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાંથી પસાર થતી રેલવે ફાટક પાસે આજે સવારે બે ઇસમોના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આજે સવારે શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાં મૂળ દાહોદના અને હાલમાં અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા રાકેશ ચંદુ માવી ઉ.વ આશરે ૩૫ વર્ષ અને ચંદરૂ કાલજી પરમાર ઉ.વ આશરે ૨૬ નાઓના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ફાટકની બાજુમાંથી મળી આવ્યા હતા, મજૂરી કામ કરી ગત સાંજથી ગુમ થયેલા બંને ઇસમોના મૃતદેહ મળી આવતા તેઓની લાશને પી.એમ અર્થે ખસેડી રેલવે પોલીસે હત્યાની આશંકા એ મામલા અંગેની તપાસ શરૂ કરી છે.
મહત્વની બાબત છે કે બંને ઈસમો આખરે રેલવે ટ્રેક પાસે કંઇ રીતે પહોંચ્યા તેમજ ભરૂચ-દહેજ રેલવે લાઇન ઉપર ટ્રેનોની અવરજવર પણ ખૂબ ઓછી હોય છે ત્યારે બંને ઇસમોના મોત ટ્રેનની અડફેટે થયા છે કે પછી કોઈ એ તેઓની હત્યા કરી છે અથવા અન્ય સ્થાને હત્યા કરી લાશોને ટ્રેક પાસે લાવીને ફેંકવામાં આવી છે તેવી તમામ બાબતો સમગ્ર ઘટના ક્રમ બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.
હારુન પટેલ : ભરૂચ