ભરૂચમાં વરસાદ નજીક હોવા છતાં નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીની શરૂઆત કરવામાં ન આવતા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી જો વરસાદ દરમિયાન પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો વિપક્ષ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી સાથે એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રીમોન્સૂન કામગીરીના આયોજન માટે નગરપાલિકા દ્વારા કોઈ બેઠક બોલાવવામાં આવી નથી. નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીની સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તેનું કોઈ પરિણામ જણાતું નથી. આ વર્ષે ભરૂચના સ્ટેશન રોડ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર, ફુરજા ચાર રસ્તા અને અન્ય મુખ્ય રસ્તાઓ સહિતના વિસ્તારોમાં કાંસની સાફ-સફાઇ કરવામાં આવે છે જેથી વરસાદી પાણીનો ભરાવો ન થાય પરંતુ ભરૂચમાં આ વર્ષે આ પ્રકારની કોઈ પ્રિમોન્સુન કામગીરીની બેઠક બોલાવવામાં આવેલ નથી. ભરૂચમાં કાંસો પર ગેરકાયદેસર બાંધકામ અંગેનો સર્વે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે કે કેમ અને જો ના કરવામાં આવ્યો હોય તો તાત્કાલિક કાંસની જગ્યા પર કરવામાં આવેલ દબાણ અંગે સર્વે કરવામાં આવે. ભરૂચમાં ૨૭ જેટલી કાંસ આવેલી છે જેની સાફ-સફાઈ અત્યંત જરૂરી છે. પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે રસ્તાના કાર્યો પણ થયા નથી જ્યાં જુઓ ત્યાં શહેરના મુખ્ય માર્ગો પણ બિસ્માર હાલતમાં જણાય છે. રસ્તાઓ અત્યંત ખાડા ગ્રસ્ત છે, રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું પેચવર્ક કામ પણ કરવામાં આવ્યું નથી આથી જો આગામી સમયમાં નગરપાલિકાના પદાધિકારીઓના કારણે વરસાદ દરમ્યાન પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો જનહિત માટે વિપક્ષ મેદાનમાં આવી ઉગ્ર આંદોલન કરશે તેમજ નગરપાલિકા સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
ભરૂચમાં કાંસની સફાઈ સહિત રસ્તાનું પેચવર્ક કરવા વિપક્ષે નગરપાલિકા પ્રમુખને પાઠવ્યું આવેદન.
Advertisement